નવરાત્રિનું પર્વ શક્તિની આરાધાનાનું પર્વ છે એવા પ્રસંગે દીકરી પર રેપ કરવામાં આવે તો એ ગુનાને હળવાશથી લઈ શકાય નહીં એવું અવલોકન કર્યું કોર્ટે : આરોપીઓને ૫૦–૫૦ હજાર રૂપિયાનો દંડ : સગીરાને ૧૦ લાખનું વળતર ચૂકવવાનો કર્યો હુકમ
પાંચ આરોપીઓ
સંસ્કારી નગરી વડોદરામાં ૨૦૨૪ની નવરાત્રિના પવિત્ર તહેવારમાં ટીનેજર પર ગૅન્ગરેપ કરનારા પાંચ આરોપીઓને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ કોર્ટના સ્પેશ્યલ સેશન્સ જજ ચિરાગ પવારે ગઈ કાલે અંતિમ શ્વાસ સુધીની કેદની સજાનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત કોર્ટે આરોપીઓને ૫૦–૫૦ હજાર રૂપિયાનો દંડ તેમ જ સગીરાને ૧૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો.
સ્પેશ્યલ સરકારી વકીલ નયન સુખડવાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વડોદરામાં ભાયલી ખાતે ૨૦૨૪ની ૪ ઑક્ટોબરે રાતે ગૅન્ગરેપની ઘટના બની હતી. એ સમયે ભોગ બનનાર સગીરાની ઉંમર ૧૬ વર્ષની હતી. તે તેના મિત્ર સાથે ગરબા રમવા ગઈ હતી અને તેના મિત્ર સાથે બેઠી હતી ત્યારે ત્યાં પાંચ જણ આવ્યા હતા. એમાંથી બે જણે પહેલાં છેડછાડ કરીને અડપલાં કર્યાં હતાં અને ૩ જણે રેપ કર્યો હતો. ગૅન્ગરેપની વ્યાખ્યામાં જે ગૅન્ગ હોય એમાંથી એક પણ વ્યક્તિએ રેપ કર્યો હોય તો બધા જવાબદાર થાય. આ કેસમાં POCSO કોર્ટના સ્પેશ્યલ સેશન્સ જજ ચિરાગ પવારે પાંચ આરોપીઓને સામૂહિક બળાત્કાર માટે દોષી ઠેરવ્યા હતા. કોર્ટે આરોપી મુમતાઝ બનઝારા, મુન્ના બનઝારા, સૈફઅલી મેહદીહસન, શાહરુખ બનઝારા અને અજમલ સત્તારને તેમના જીવનના અંતિમ શ્વાસ સુધી જેલમાં રાખવાની સજાનો હુકમ કર્યો હતો.’
ADVERTISEMENT
નયન સુખડવાલાએ કહ્યું હતું કે ‘કોર્ટે ચુકાદામાં નોંધ્યું છે કે નવરાત્રિનું પર્વ એ શક્તિની આરાધાનાનું પર્વ છે. એવા પ્રસંગે દીકરી પર રેપ કરવામાં આવે તો એ ગુનાને હળવાશથી લઈ શકાય નહીં. સોસાયટીમાં સ્ત્રીની ડિગ્નિટી જળવાવી જોઈએ. પૃથ્વી પર બળાત્કારનું કૃત્ય ખૂબ જ ગંભીરમાં ગંભીર કૃત્ય છે.’
જાણવા જેવું
આ કેસમાં કોર્ટે ૪૫ સાક્ષીઓને જુબાની લીધી હતી.કેસના સમર્થનમાં સરકારી વકીલે ૧૫ જેટલાં જજમેન્ટ રજૂ કર્યાં હતાં. પોલીસે ૬૦૦૦ પાનાંની ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસમાં મેડિકલ એવિડન્સ, ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાના પુરાવા તેમ જ ઓળખ-પરેડના પુરાવા સહિત તમામ સાંયોગિક પુરાવા કોર્ટે માન્ય રાખ્યા હતા.
