ગુજરાતની રાજધાનીમાં ૧૧૩ બાળકો ટાઇફૉઇડને કારણે હૉસ્પિટલમાં ભરતી, કર્ણાટકની રાજધાનીમાં પણ ઘરોમાં પહોંચે છે ગંદું વાસ મારતું પાણી
ગાંધીનગરની હૉસ્પિટલમાં ટાઇફૉઇડના દરદીઓ.
ઇન્દોર પછી ગુજરાતની રાજધાની ગાંધીનગર અને કર્ણાટકની રાજધાની બૅન્ગલોરમાં પણ નળમાં ગટરનું પાણી આવી રહ્યું છે, જેને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે. ઇન્દોરમાં દૂષિત પાણીથી અત્યાર સુધીમાં ૧૫ લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે ૨૦૦થી વધુ લોકો ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં દાખલ છે. ઇન્દોર સુધરાઈ અને અધિકારીઓની બેદરકારીથી થયેલી આ કરુણાંતિકાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. ગાંધીનગરમાં ૧૧૩ લોકોને ટાઇફોઇડ થયો છે, જેમાં મોટા ભાગે નાનાં બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે બૅન્ગલોરમાં ગંદા પાણીથી ગભરાટ ફેલાયો છે. બન્ને શહેરોમાં ગટરનું પાણી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભળવાને કારણે હજારો લોકોના સ્વાસ્થ્ય પર જોખમ છે, જેને કારણે મોટી આરોગ્ય-કટોકટીની શક્યતા વધી ગઈ છે. આરોગ્ય વિભાગના કહેવા મુજબ અત્યાર સુધીમાં ટાઇફોઇડના ૧૦૦થી વધુ સક્રિય કેસ નોંધાયા છે અને એનું કારણ દૂષિત પાણીપુરવઠો છે.
હૉસ્પિટલમાં નવો બાળરોગ વૉર્ડ
ADVERTISEMENT
ગાંધીનગરમાં પરિસ્થિતિ એટલી ભયાનક છે કે ઊલટી, તાવ અને પેટમાં દુખાવાથી પીડાતાં બાળકોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ગાંધીનગરની સિવિલ હૉસ્પિટલમાં ૩૦ બેડનો બાળરોગ વૉર્ડ ઉતાવળે ખોલવામાં આવ્યો છે. ડૉક્ટરો કહે છે કે દરદીઓનો ધસારો ચાલુ છે. જોકે રાહતની વાત એ છે કે હાલમાં કોઈની હાલત ગંભીર નથી.
ગટર-પાણીની લાઇનો પાસે-પાસે
૨૭૫ કરોડ રૂપિયાના પ્રોજેક્ટમાં નોંધપાત્ર વહીવટી બેદરકારી બહાર આવી છે. ચોવીસે કલાક પાણીપુરવઠાના પ્રોજેક્ટમાં પીવાના પાણીની પાઇપલાઇનો ગટરની લાઇનોની બાજુમાં નાખવામાં આવી હતી. એન્જિનિયરિંગ અધિકારીઓએ સ્વીકાર્યું છે કે જ્યારે પાણીનું દબાણ વધારવામાં આવ્યું ત્યારે નબળી પડી ગયેલી પાઇપો ફાટી ગઈ હતી, જેને કારણે નજીકની ગટરોમાંથી ગટરનું પાણી એમાં લીક થવા લાગ્યું હતું. અત્યાર સુધીમાં આવા સાત લીકેજ પૉઇન્ટ ઓળખવામાં આવ્યા છે.
બૅન્ગલોરમાં પણ લોકોને પહોંચે છે ફીણવાળું પાણી
બૅન્ગલોરના લિંગરાજપુરમમાં કર્ણાટક સ્ટેટ ફાઇનૅન્શિયલ કૉર્પોરેશન (KSFC) લેઆઉટની સ્થિતિ પણ ચિંતાજનક છે. છેલ્લા કેટલાક મહિનાઓથી રહેવાસીઓ પેટમાં દુખાવો, ઊલટી અને ઝાડાની ફરિયાદ કરી રહ્યા છે, જેમાં કેટલાકને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી છે. રહેવાસીઓએ તેમની ભૂગર્ભ પાણીની ટાંકીઓ સાફ કરી ત્યારે પ્રદૂષણની ગંભીરતા બહાર આવી હતી. પાણીની ટાંકીઓમાં ગટરના કચરાનો જાડો સ્તર જોવા મળ્યો હતો. પીવાના પાણીને બદલે લોકોને દુર્ગંધયુક્ત ફીણવાળું પાણી મળે છે. છેલ્લા અઠવાડિયાથી ૩૦-૪૦ પરિવારોને ખાનગી ટૅન્કરોમાંથી પાણી ખરીદવાની ફરજ પડી છે. નિરીક્ષણ પછી બૅન્ગલોર વૉટર સપ્લાય ઍન્ડ સિવેજ બોર્ડના અધિકારીઓએ સ્વીકાર્યું છે કે ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી રહ્યું છે, પરંતુ હજી સુધી ક્યાંથી આ પાણી લીક થાય છે એ જાણવા મળ્યું નથી. રહેવાસીઓનો આરોપ છે કે અધિકારીઓ વિવિધ સ્થળોએ ટ્રાયલ-ઍન્ડ-એરર ધોરણે રસ્તાઓ ખોદી રહ્યા છે, પરંતુ સમસ્યા યથાવત્ છે.


