Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઇન્ડિગોની પાંખો કાપી નાખી સરકારે

ઇન્ડિગોની પાંખો કાપી નાખી સરકારે

Published : 10 December, 2025 07:27 AM | Modified : 10 December, 2025 10:05 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફ્લાઇટ-આ‍ૅપરેશન્સમાં ૧૦ ટકાનો કાપ મૂક્યો, રોજની ૨૧૫ ફ્લાઇટ ઘટાડવી પડશે, આજે નવું ટાઇમટેબલ આપવું પડશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ડિરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA)એ ઇન્ડિગોના મંજૂર થયેલા શિયાળાના ટાઇમટેબલમાં ૧૦ ટકાનો ઘટાડો કર્યો છે, કારણ કે ઍરલાઇને અઠવાડિયામાં ૧૫,૦૧૪ ફ્લાઇટ ઑપરેટ કરવાની ક્ષમતા દર્શાવી નથી. ઍરલાઇનને સમગ્ર સેક્ટરમાં અને ખાસ કરીને હાઈ-ડિમાન્ડ અને હાઈ-ફ્રીક્વન્સી રૂટ પર સિંગલ-ફ્લાઇટ ઑપરેશન્સ ટાળવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.
ઇ​ન્ડિગો ઍરલાઇન્સે આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં સુધારેલું ટાઇમટેબલ રજૂ કરવાનું રહેશે. લગભગ ૨૧૪૫ દૈનિક સ્થાનિક ફ્લાઇટ્સમાં ૧૦ ટકા ઘટાડો કરવાથી દરરોજ લગભગ ૨૧૫ અને અઠવાડિયામાં ૧૫૦૫ ફ્લાઇટ ઓછી થશે. DGCA હજી નોંધી રહ્યું છે કે ઍરલાઇન એના સંચાલનને કયા સ્તરે સ્થિર કરી શકે છે.

ઇન્ડિગોનું ઉનાળાનું ટાઇમટેબલ ૧૪,૧૫૮ સાપ્તાહિક ડોમેસ્ટિક ફ્લાઇટ્સનું સંચાલન કરવાનું હતું જે ૨૬ ઑક્ટોબરથી શિયાળાના ટાઇમટેબલમાં ૬ ટકા વધારવામાં આવ્યું હતું. આનાથી ઍરલાઇનને નવેમ્બરમાં ૬૪,૩૪૬ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ચલાવવાની મંજૂરી મળી હતી. ઉનાળામાં ૩૫૧ વિમાનોની ઉપલબ્ધતા સામે શિયાળામાં ૪૦૩ વિમાનોની ઉપલબ્ધતાના આધારે ઇન્ડિગોએ ફ્લાઇટ્સ વધારી હતી. જોકે એવું જોવા મળ્યું છે કે ઍરલાઇન ઑક્ટોબરમાં ફક્ત ૩૩૯ વિમાનો અને નવેમ્બરમાં ૩૪૪ વિમાનોનું જ સંચાલન કરી શકી હતી.



ગઈ કાલે પણ ૪૦૦થી વધુ ફ્લાઇટ્સ કૅન્સલ થઈ હતી
ગઈ કાલે પણ ઇન્ડિગોના ફ્લાઇટ કૅન્સલેશનને કારણે પૅસેન્જરોએ હાલાકી ભોગવવી પડી હતી. ગઈ કાલના આખા દિવસમાં ૪૦૦થી વધુ ફ્લાઇટ્સ કૅન્સલ થઈ હતી. એ સાથે છેલ્લા ૮ દિવસમાં કૅન્સલ થયેલી ફ્લાઇટ્સની કુલ સંખ્યા ૫૦૦૦ને વટાવી ગઈ હતી. ઇન્ડિગોએ ગઈ કાલે ૧૮૦૦થી વધુ ફ્લાઇટ્સ ઑપરેટ કરી હતી અને આજે ૧૯૦૦ જેટલી ફ્લાઇટ્સ ઑપરેટ કરવાનું આયોજન હોવાનું જણાવ્યું હતું.


એક દિવસ પહેલાંની મીટિંગમાં ઇન્ડિગોએ સમસ્યાનો કોઈ ઉલ્લેખ ન કર્યો: સિવિલ એવિયેશન મિનિસ્ટર
સોમવારે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં સિવિલ એવિએશન મિનિસ્ટર રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે પહેલી ડિસેમ્બરે અમારી મહત્ત્વની મીટિંગ યોજાઈ હતી, પણ એમાં ઇન્ડિગોએ નવા નિયમોથી સમસ્યા સર્જાઈ શકે છે એવો કોઈ ઉલ્લેખ નહોતો કર્યો અને બીજા જ દિવસથી તેમની ફ્લાઇટ્સ કૅન્સલેશન્સની અંધાધૂંધી સર્જાઈ હતી. મિનિસ્ટરે આ સમસ્યા માટે ઇન્ડિગોની ઇન્ટર્નલ સિસ્ટમને દોષી ઠેરવી હતી.

ઇન્ડિગો સંકટ પર સંસદમાં બીજું શું બોલ્યા સિવિલ એવિયેશન મિનિસ્ટર
 અમે ભારતમાં વધુ નવી ઍરલાઇન શરૂ કરવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છીએ.
 ભારતમાં નવી ઍરલાઇન શરૂ કરવાનો આ સૌથી સારો સમય છે. દેશમાં અનુકૂળ માહોલ છે.
 ભારતમાં ઓછામાં ઓછી પાંચ નવી ઍરલાઇન્સ બની શકે એટલી ક્ષમતા છે. 
 સરકાર એ વાતનું પૂરું ધ્યાન રાખશે કે કોઈ પણ ઍરલાઇન, ભલે ગમે એટલી મોટી હોય, એ મુસાફરોને તકલીફ અને હાડમારી ન પહોંચાડે.


Whatsapp-channel Whatsapp-channel

10 December, 2025 10:05 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK