વાલીઓની ફરિયાદ પછી શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરીને પ્રિન્સિપાલને સસ્પેન્ડ કર્યો
આસારામ બાપુ
છત્તીસગઢના બલરામપુર જિલ્લામાં સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને બળાત્કારના કેસમાં દોષી ઠરેલા આસારામ દ્વારા લખાયેલી પુસ્તિકાઓ વહેંચવામાં આવતાં વિવાદ થયો છે. સ્કૂલના પ્રિન્સિપાલ મહેશ પ્રજાપતિને પદ પરથી હટાવવામાં આવ્યો હતો. વાલીઓના જણાવ્યા અનુસાર ૨૬ ઑક્ટોબરે રઘુનાથપુર ગામની સ્વામી આત્માનંદ ગવર્નમેન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ઑફ ઍક્સલન્સમાં મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને આ પુસ્તિકાઓ વહેંચવામાં આવી હતી.
બાળકો પુસ્તિકાઓ ઘરે લઈ ગયા પછી વાલીઓને આ વિશે જાણ થઈ હતી. તેમણે શિક્ષણ વિભાગમાં ફરિયાદ કરીને નારાજગી વ્યક્ત કરી હતી. વાલીઓના એક આક્ષેપ મુજબ આસારામના અનુયાયીઓએ પ્રિન્સિપાલની હાજરીમાં ‘સંસ્કાર સરિતા’, ‘વ્રત નિયમ’ અને ‘વસુધૈવ કુટુંબકમ્’ નામની પુસ્તિકાઓ વહેંચી હતી. વાલીઓએ આસારામ સાથે સંકળાયેલી પુસ્તિકાઓ વિદ્યાર્થીઓને આપવાનો વિરોધ કરીને કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ગુજરાતના ગાંધીનગરની કોર્ટે ૨૦૧૩ના બળાત્કાર કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી. રાજસ્થાનના જોધપુર આશ્રમમાં સગીરા પર બળાત્કારના અન્ય કેસમાં પણ તે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.
