અભિનેતા મુશ્તાક ખાન, સુનીલ પાલના કિડનૅપિંગના કેસમાં ચાર આરોપીની ધરપકડ પછી થયો ખુલાસો : શક્તિ કપૂરે ઍડ્વાન્સમાં બહુ પૈસા માગ્યા એટલે બચી ગયા : દસથી વધુ જુનિયર કલાકારોનું અપહરણ કરીને લાખો રૂપિયાની ખંડણી પડાવી ચૂક્યા છે આ લોકો
બિજનૌર પોલીસ સાથે ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ
ફિલ્મ-અભિનેતા મુશ્તાક ખાન અને સુનીલ પાલનું અપહરણ કરીને ખંડણી માગવાના કેસમાં ચાર આરોપીની બિજનૌર પોલીસે ગઈ કાલે ધરપકડ કરીને તેમની પાસેથી ૧,૦૪,૦૦૦ રૂપિયાની રોકડ અને મોબાઇલ ફોન જપ્ત કર્યાં હતાં. પોલીસ આ કેસના અન્ય છ આરોપીને શોધી રહી છે. આરોપીઓએ અભિનેતા શક્તિ કપૂરને પણ ફોન કરીને આવતા વખતમાં તેમનું પણ અપહરણ કરવાનો પ્લાન બનાવ્યો હતો એટલું જ નહીં, ૧૦થી વધુ જુનિયર કલાકારોનું અપહરણ કરીને લાખો રૂપિયાની ખંડણી લઈ ચૂક્યા હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.
મેરઠ અને બિજનૌર પોલીસના સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ (STF)એ ગઈ કાલે મુખ્ય સૂત્રધાર સાર્થક ચૌધરી ઉર્ફે રિકીની ઉત્તરાખંડમાંથી ધરપકડ કરી હતી એમ જણાવતાં બિજનૌર પોલીસના PRO આતિશ કુમારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે સવારે મેરઠ અને બિજનૌર પોલીસની STFની ટીમે ઉત્તરાખંડના બુલંદ શહરના એક ઘરમાંથી સાર્થકની ધરપકડ કરી હતી. આ દરમ્યાન આરોપીએ છત પરથી કૂદીને ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેની સાથે સબીઉદ્દીન ઉર્ફે સાબી, અઝીમ અહમદ અને શશાંકકુમારની પણ ધરપકડ કરવામાં આવી હતી. સાર્થકે તપાસ દરમ્યાન જણાવ્યું હતું કે તેની ગૅન્ગે મુંબઈની ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના ૧૦ અલગ-અલગ કલાકારોનું અપહરણ કર્યું છે. અભિનેતા મુશ્તાક ખાન અને સુનીલ પાલનું અપહરણ કરીને ખંડણી વસૂલ કર્યા પછી નંબર હતો અભિનેતા શક્તિ કપૂરનો. એ માટે શક્તિ કપૂરને ફોન પણ કરવામાં આવ્યો હતો, પણ તેમનું ઍડ્વાન્સ પેમેન્ટ વધારે હોવાથી તેઓ આપી શક્યા નહોતા.’