વિવિધ ઓળખ આપીને અનેક રાજ્યોની મહિલાઓ સાથે લગ્ન કરી તેમને છેતરનારો ઓડિશાનો માણસ પોલીસના હાથે લાગ્યો
બિરંચી નારાયણ નાથ
ઓડિશા ક્રાઇમ બ્રાન્ચે બિરંચી નારાયણ નાથ નામના એવા આરોપીની ધરપકડ કરી છે જેણે રેલવે ઑફિસર, કસ્ટમ્સ ઑફિસર કે ઇન્કમ ટૅક્સ ઑફિસર જેવી વિવિધ ઓળખ આપીને લગ્ન ન થતાં હોય એવી મિડલ એજ મહિલાઓ, ડિવૉર્સી કે વિધવાઓ સાથે લગ્ન કર્યાં હતાં અને ત્યાર બાદ તેની પાસેથી પૈસા પડાવ્યા હતા. આરોપી મૅટ્રિમોનિયલ સાઇટ્સ પરથી આવી મહિલાઓનો પ્રોફાઇલ મેળવતો હતો અને પછી તેમની સાથે સંપર્ક કરી લાંબો સમય સુધી વાતચીત કરતો હતો. તેમના ઘરે જઈ તેમને ઇમોશનલ સપોર્ટ આપતો હતો અને તને નોકરી અપાવી દઈશ કે તારાં સંતાનોની જવાબદારી સ્વીકારી લઈશ એવાં વચન આપતો હતો. ત્યાર બાદ મંદિરમાં જ લગ્ન કરીને તે તેના જ ઘરે રહેતો હતો અને થોડા જ સમયમાં તે પ્રાઇવેટ ક્ષણોના ઉતારેલા ફોટા કે વિડિયો જાહેર કરવાની ધમકી આપીને પૈસા પડાવતો હતો.
તેણે ઓડિશા ઉપરાંત રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, હરિયાણા અને દિલ્હીમાં પણ અનેક લગ્ન કર્યાં હોવાનું બહાર આવ્યું છે. ઓડિશાના કટકની એક મહિલાએ આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. ૨૦૨૨માં આ મહિલાના પતિનું રોડ-અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને તેને બે દીકરીઓ પણ છે. ગયા વર્ષે ઑક્ટોબર મહિનામાં મૅટ્રિમોનિયલ સાઇટ પર તેનો પ્રોફાઇલ જોઈને આરોપીએ તેનો સંપર્ક કર્યો હતો. આરોપીએ તેની પાસેથી પાંચ લાખ રૂપિયા અને ૩૨ ગ્રામ સોનું પડાવ્યાં હતાં. મહિલાને તેનાં અન્ય લગ્નની જાણ થતાં તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.