ચાર દિવસના ગંગા મહોત્સવ દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમ, લેઝર શો અને આતશબાજી પણ જોવા મળશે
ગઈ કાલે વારાણસી ગયેલાં પરિણીતિ ચોપડા અને રાઘવ ચઢ્ઢાએ દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતી કરી હતી.
અયોધ્યામાં દિવાળીના દિવસે વર્લ્ડ રેકૉર્ડ સ્થાપિત થાય એવા પચીસ લાખથી વધારે દીવડા પ્રગટાવવામાં આવ્યા બાદ હવે દેવદિવાળીએ વારાણસીમાં ગંગા નદીના કિનારે આવેલા ઘાટ પર ૧૬ લાખ દીવડા પ્રગટાવવામાં આવશે અને આ સાથે ચારદિવસીય ગંગા મહોત્સવનું પણ આયોજન થશે.
૧૫ નવેમ્બરે દેવદિવાળી છે અને આ વર્ષે પ્રાચીન કાશીમાં ભવ્ય દેવદિવાળી ઊજવાશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવતાઓ કાશીમાં ભવ્ય દીપોત્સવ જોવા માટે સ્વર્ગમાંથી ધરતી પર આવે છે.
ADVERTISEMENT
રિનોવેટ કરવામાં આવેલા વારાણસીના ‘નમો ઘાટ’નું દેવિદવાળીએ ઉત્તર પ્રદેશના ચીફ મિનિસ્ટર યોગી આદિત્યનાથના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.
નમો ઘાટ પર ૧૫ નવેમ્બરે સાંસ્કૃતિક કાર્યક્રમો
ટૂરિઝમ વિભાગ અને વારાણસી જિલ્લા પ્રશાસને દેવદિવાળીના ભવ્ય આયોજનની તૈયારી કરી છે. કાશીના ઘાટ પર ૧૬ લાખ દીવાનો ઝગમગાટ ફેલાશે અને બે ઘાટ પર લેઝર શોનું આયોજન થવાનું છે. આ સાથે વારાણસીના સૌથી સુંદર માનવામાં આવતા નમો ઘાટ પર ૧૫ નવેમ્બરે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે.
ગંગાના તમામ ઘાટ પર ૧૬ લાખ દીવા
આ સંદર્ભમાં વારાણસીના જિલ્લા અધિકારી એસ. રાજલિંગમે જણાવ્યું હતું કે ‘તમામ કાશીમાં ગંગાના તમામ ઘાટ પર ૧૬ લાખ દીવાથી સજાવવાની તૈયારી થઈ રહી છે. ૧૨થી ૧૫ નવેમ્બર વચ્ચે ગંગા મહોત્સવનું આયોજન થયું છે અને એમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો કાશી આવશે. આ વખતે ૧૦ લાખથી વધારે લોકો દેવદિવાળીએ વારાણસીમાં આવવાની સંભાવના છે. ગંગા મહોત્સવનું આયોજન અસ્સી ઘાટ પર થશે અને એ ૧૨થી ૧૫ નવેમ્બર વચ્ચે યોજાશે.
ગંગા દ્વાર અને ચેત સિંહ ઘાટ પર લેઝર શોનું આયોજન
ગંગા નદીના સામા ઘાટે પણ દીવા પ્રગટાવવામાં આવશે. કાશી વિશ્વનાથ મંદિરના ગંગા દ્વાર અને ચેત સિંહ ઘાટ પર લેઝર શોનું આયોજન થયું છે. આ એકદમ ભવ્ય અને આકર્ષક રહેશે. ગંગાના સામા કિનારે ભવ્ય આતશબાજી પણ કરવામાં આવશે.