આ ટ્રેન નવા રૂટ પરથી દોડવાની હોવાથી સોમનાથ જવા માગતા મુંબઈના પ્રવાસીઓ અને સૌરાષ્ટ્ર રૂટના મુંબઈ આવતા વેપારીવર્ગને સુવિધા મળશે
ફાઇલ તસવીર
મુંબઈના પ્રવાસીઓને સોમનાથ જવા અને સૌરાષ્ટ્રથી છૂટક કામ કરતા વેપારીવર્ગને મુંબઈ આવવા સરળ અને સારી સુવિધા આ શુક્રવારથી મળી રહેવાની છે. રેલવે બોર્ડ દ્વારા વેસ્ટર્ન રેલવેના ભાવનગર ડિવિઝનના વેરાવળ સ્ટેશનથી બાંદરા ટર્મિનસ સુધી સાપ્તાહિક એક્સપ્રેસને ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. એથી વેરાવળ સ્ટેશનથી બાંદરા ટર્મિનસ અને બાંદરાથી વેરાવળ સુધી એક્સપ્રેસ ટ્રેન દર શુક્રવારે દોડવાની છે.
ઘણા લાંબા સમયથી પ્રવાસીઓની માગણી હતી કે સોમનાથ માટે સીધી ટ્રેન શરૂ કરવામાં આવે. એટલે હવે વેરાવળથી આવતી-જતી આ એક્સપ્રેસ ટ્રેન રાજકોટ રૂટ બાજુએ ન જતાં ધોળા, બોટાદ રૂટ પરથી આવશે. આ વિશે માહિતી આપતાં વેસ્ટર્ન રેલવેના ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ મશુક અહમદે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘વેરાવળ સ્ટેશનથી બાંદરા ટર્મિનસ એક્સપ્રેસ ટ્રેન (૧૯૨૦૪) વેરાવળથી દર શુક્રવારે સવારે ૫.૧૫ વાગ્યે ઊપડશે અને બીજા દિવસે એટલે કે શનિવારે બાંદરા ટર્મિનસ પર બપોરે ૩.૫૦ વાગ્યે પહોંચશે. એવી જ રીતે આ એક્સપ્રેસ (૧૯૨૦૩) બાંદરા ટર્મિનસથી દર શનિવારે સાંજે ૭.૨૫ વાગ્યે ઊપડશે અને બીજા દિવસે બપોરે ૧૩.૧૦ વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી ટૂ ટિયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચનો સમાવેશ છે.’
ADVERTISEMENT
વેરાવળ રેલવે સ્ટેશન કમિટીના સભ્ય અને સૌરાષ્ટ્ર પૅસેન્જર અસોસિએશનના જૉઇન્ટ સેક્રેટરી મુકેશ ચોલેરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ નવી ટ્રેનથી જથ્થાબંધ અને છૂટક વેપારીઓને મુંબઈ આવવા-જવામાં ખૂબ મદદ મળશે તેમ જ મુંબઈથી સોમનાથ સીધું આવવું-જવું અનુકૂળ બનશે. ૧૭૧૮ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ રાજકોટ થઈને વેરાવળ જાય છે. આ ટ્રેન મોસ્ટલી ફુલ જ હોય છે.’
કયા નવા રૂટ પરથીટ્રેન દોડશે?
આ ટ્રેન જૂનાગઢ, જેતલસર, વડિયા દેવળી, કુંકવાવ, લુણીધાર, ચીતલ, ખીજડિયા, લાઠી, ઝસા, ધોળા, બોટાદ, ધંધુકા, સરખેજ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશન પર બન્ને દિશાએ હૉલ્ટ કરશે.


