નાશિકના પવન નગર જૈન સંઘમાં ચાતુર્માસ માટે જઈ રહેલાં બે મહાસતીજીઓ મુંબઈ-નાશિક હાઇવે પર એક કન્ટેનરના ડ્રાઇવરની બેદરકારીને લીધે વાહનોની નીચે કચડાઈ જતાં કાળધર્મ પામ્યાં
મુંબઈ-નાશિક હાઇવે પર ગઈ કાલે માર્ગ-અકસ્માતમાં કાળધર્મ પામેલાં (ડાબી બાજુથી) મહાસતી શ્રી સિદ્ધાયકાશ્રીજી મહારાજસાહેબ અને ૩૫ વર્ષનાં શ્રી હર્ષાયિકાશ્રીમજી મહારાજસાહેબ.
નાશિકના પવન નગર જૈન સંઘમાં ચાતુર્માસ માટે મુંબઈ તરફથી વિહાર કરીને નાશિક જઈ રહેલાં શ્રમણી સંઘનાં બે જૈન સાધ્વીજીઓ કસારા ઘાટ લાઇન પૂરી થયા બાદ મુંબઈ-નાશિક હાઇવે પર રોડ-ઍક્સિડન્ટમાં કાળધર્મ પામતાં બાગરેચા પરિવાર, મુનોત પરિવાર, સુરાણા પરિવાર, રાકા પરિવાર સહિત વાશિમ શ્રી સંઘ, આકોલા સંઘ અને નાશિકના જૈન સંઘોમાં અરેરાટી પ્રસરી ગઈ છે.
આ માહિતી આપતાં નાશિકના સકળ જૈન સમાજના સમન્વયક સુનીલ ચોપડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શ્રમણ સંઘીય સલાહકાર શ્રી સુમતિપ્રકાશજી મહારાજસાહેબના વાચનાચાર્ય પ્રવર શ્રી વિશાલ મુનિ મહારાજસાહેબનાં સુશિષ્યા મહાસતી પરમ પૂજય ૪૦ વર્ષનાં શ્રી સિદ્ધાયકાશ્રીજી મહારાજસાહેબ અને પરમ પૂજ્ય ૩૫ વર્ષનાં શ્રી હર્ષાયિકાશ્રીમજી મહારાજસાહેબના આગામી ચાતુર્માસ પવન નગર નાશિક જૈન ઉપાશ્રયમાં થવાના હતા. એ માટે બન્ને મહાસતીજીઓ ગઈ કાલે સવારે ૫.૩૦ વાગ્યે મુંબઈ તરફથી કસારા ઘાટ થઈને નાશિક તરફ જઈ રહ્યાં હતાં. કસારા ઘાટ પસાર કર્યા પછી તેઓ મુંબઈ-નાશિક હાઇવે પર આવેલી હોટેલ ઑરેન્જ સિટી પાસે પહોંચ્યાં હતાં ત્યારે એક કન્ટેનર યમરાજ બનીને આવ્યું હતું. એ કન્ટેનરના ડ્રાઇવરે હાઇવે પરથી પસાર થઈ રહેલી ઓમ્ની કાર અને પિક-અપ વાહનને ટક્કર મારતાં આ બન્ને મહાસતીજીઓની વ્હીલચૅર વાહનોની નીચે આવી જતાં તેમનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં.
ADVERTISEMENT
બન્ને મહાસતીજીઓ રોડ-ઍક્સિડન્ટમાં કાળધર્મ પામ્યાં હોવાના સમાચાર અમને સવારે પોણાછ વાગ્યે મળ્યા હતા એવું કહેતાં સુનીલ ચોપડાએ જણાવ્યું કે ‘અમને સમાચાર મળતાં પવન નગર જૈન સંઘ, નાશિકના શ્રી સંઘ, આરકે અને નાશિકના સિડકો મહાસંઘના કાર્યકરો તથા પદાધિકારીઓ તરત અકસ્માતના સ્થળે પહોંચી ગયા હતા. બન્ને મહાસતીજીઓના મૃતદેહનાં પોસ્ટમૉર્ટમ નજીકની હૉસ્પિટલમાં કરવામાં આવ્યાં હતાં. એ પછી સાંજે ૪ વાગ્યે બન્ને મહાસતીજીઓના મૃતદેહ પવનનગર જૈન સંઘમાં ભાવિકોનાં દર્શનાર્થે રાખવામાં આવ્યા હતા અને એક કલાક પછી દ્વારકા અમર ધામની ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.’