મીરા-ભાઈંદરના દાયકાઓ જૂના જમીનવિવાદને ઉકેલવા માટે વડા પ્રધાનની મદદ માગવામાં આવી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ક્લાસમેટ અસગરઅલી વહોરા સાથે.
મુશ્કેલીના સમયમાં સાચો મિત્ર જ વહારે આવે છે અને તેની જ પાસે મદદ માગી શકાય છે એ વાત આજે પણ લાગુ થાય છે એ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના એક સમયે રહેલા ક્લાસમેટ અસગરઅલી વહોરાની મુલાકાતે પુરવાર કર્યું છે. દાયદાઓ જૂના જમીનવિવાદમાં નરેન્દ્ર મોદી હસ્તક્ષેપ કરે એ માટે તેમના ૮૧ વર્ષના વડનગરની બી. એન. સ્કૂલના ક્લાસમેટ અને હાલ મીરા રોડમાં રહેતા અસગરઅલીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ મામલે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તપાસનો આદેશ આપે એવી વિનંતી કરી છે.
૮ સપ્ટેમ્બરે અસગરઅલી નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને પોતાની વ્યથા સંભળાવી હતી. વડા પ્રધાન તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યા બાદ દાયદાઓ પછી પોતાને ન્યાય મળશે એવી આશા અસગરઅલીએ વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
મહારાષ્ટ્રના પરિવહન ખાતાના પ્રધાન પ્રતાપ સરનાઈકે અસગરઅલી અને નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી મુલાકાતના ફોટો જાહેર કર્યા હતા તથા એક પ્રેસનોટ પણ જાહેર કરી હતી. પ્રેસનોટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના મિત્રને ન્યાય અપાવશે એવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી.
કબજો કરનારા BJPના જ વિધાનસભ્ય?
જમીનવિવાદ વિશે મળેલી માહિતી મુજબ ૧૯૮૯માં અસગરઅલીએ ભાઈંદર-ઈસ્ટમાં નવઘરમાં ૨૮૧૦ સ્ક્વેરમીટરની જમીન ખરીદી હતી. જોકે ૨૦૧૧માં સ્વયં બિલ્ડર્સ અને સેવન-ઇલેવન કન્સ્ટ્રક્શન દ્વારા આ જમીન પર કબજો જમાવવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર આ કંપનીઓ ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા સાથે સંકળાયેલી છે. અસગરઅલીએ કરેલા આરોપો મુજબ ૨૦૧૧માં નકલી દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા અને એના ખરા માલિકને એની જરાય જાણ નહોતી.
આ મામલે ૧૬ સપ્ટેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે. આ દરમ્યાન સ્વયં બિલ્ડર્સ અને સેવન-ઇલેવન કન્સ્ટ્રક્શનના પ્રતિનિધિઓને હાજર રહેવાનું પણ ફરમાન કરવામાં આવ્યું છે.
