કૉન્ટ્રૅક્ટર સ્ટ્રૅબૅગને કારણ દર્શાવો નોટિસ મોકલવાની સાથે એક કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે
અટલ સેતુના મેઇન રોડને જોડતા રૅમ્પમાં પડેલી ક્રૅક.
મુંબઈ અને નવી મુંબઈને જોડતા દેશના સૌથી લાંબા સમુદ્રી અટલ સેતુનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરીમાં લોકાર્પણ કર્યા બાદ પાંચ જ મહિનામાં સેતુને જોડતા રોડમાં ક્રૅક હોવાનું જણાઈ આવ્યું હતું. રાઇટ ટુ ઇર્ન્ફ્મેશન (RTI) ઍક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ કહ્યું હતું કે ‘અટલ સેતુને જોડતા પાંચ નંબરના રૅમ્પમાં ક્રૅક પડી ગઈ હોવાની જાણ જૂન મહિનામાં થઈ હતી. આ વિશે અટલ સેતુનું સંચાલન કરતી મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ શું પગલાં લીધાં છે એની માહિતી માગી હતી. જવાબમાં MMRDAએ લેખિતમાં જવાબ આપ્યો છે કે રસ્તામાં ક્રૅક હોવાની જાણ થયા બાદ જૂન મહિનાના ત્રીજા અઠવાડિયામાં રોડનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. મેઇન અટલ સેતુ પર નહીં પણ કનેક્ટિંગ રૅમ્પના રસ્તામાં આ ક્રૅક પડી હતી એ તાત્કાલિક રિપેર કરવામાં આવી હતી. આ સિવાય કૉન્ટ્રૅક્ટર સ્ટ્રૅબૅગને કારણ દર્શાવો નોટિસ મોકલવાની સાથે એક કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.’