સંગીતકાર બેલડી કલ્યાણજી આણંદજીમાંથી કલ્યાણજીભાઈના સૌથી મોટા દીકરા ચંદ્રકાન્તભાઈનું ગુરુવારે મધરાત બાદ નિધન થયું હતું.
ચંદ્રકાન્ત કલ્યાણજીભાઈ શાહ.
હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની જાણીતી સંગીતકાર બેલડી કલ્યાણજી આણંદજીમાંથી કલ્યાણજીભાઈના સૌથી મોટા દીકરા ચંદ્રકાન્તભાઈનું ગુરુવારે મધરાત બાદ નિધન થયું હતું.
મૂળ કચ્છના કંદરોડી ગામના કચ્છી વીસા ઓસવાળ જ્ઞાતિના ચંદ્રકાન્તભાઈના નિધનની વિગતો આપતાં તેમના સસરા અરવિંદભાઈ છેડાએ કહ્યું હતું કે ‘ચંદ્રકાન્તભાઈ ત્રણ દિવસ પરિવાર સાથે નવસારી લગ્નમાં હાજરી આપવા ગયા હતા. તેમણે લગ્નનાં વિવિધિ ફંક્શન માણ્યાં હતાં. હેવી ડાયાબિટીઝને લીધે પીડાતા હતા અને તેમણે અઠવાડિયામાં ત્રણ દિવસ ડાયાલિસિસ કરાવવું પડતું હતું. ગુરુવારે રાતે જ તેઓ વંદે ભારત ટ્રેનમાં નવસારીથી પાછા ફર્યા હતા. એ પછી ૧૧ વાગ્યે જમીને સૂવા ગયા હતા, પણ થોડી વારમાં તેમને અસ્વસ્થ લાગતાં પરિવારને જાણ કરી હતી અને એથી તેમને બ્રીચ કૅન્ડી હૉસ્પિટલ લઈ જવાયા હતા. જોકે ત્યાં દાખલ કરવામાં આવે એ પહેલાં ડૉક્ટરે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. ગઈ કાલે સવારે મરીન લાઇન્સ ચંદનવાડી સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમની પ્રાર્થનાસભા સોમવારે દાદર-ઈસ્ટમાં સ્ટેશનની સામે આવેલા યોગી સભાગૃહમાં સાંજે ૪.૦૦થી ૫.૩૦ વાગ્યા દરમ્યાન રાખવામાં આવી છે.’

