મોટરસાઇકલને તેની કારે ટક્કર મારી હોવાથી ગુસ્સે ભરાયેલા યુવક અને તેના સાથીએ ગોવંડીના ઘરમાં ઘૂસીને હત્યા કરી
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ગોવંડીના શિવાજીનગરમાં શનિવારે મોડી રાત્રે ઘરમાં ચાકુથી હુમલો કરીને પત્નીની સામે જ કૅબ-ડ્રાઇવરની હત્યા કરવાની ચોંકાવનારી ઘટના બની હતી. શિવાજીનગર પોલીસના જણાવ્યા મુજબ શનિવારે રાત્રે આરોપી અબ્દુલ કરીમ શેખ અને શરીફ અબ્બાસ અલી શેખ ૩૮ વર્ષના કૅબ-ડ્રાઇવર આદિલ તમીમ ખાનના ઘરમાં ચાકુ સાથે ઘૂસ્યા હતા. કૅબ-ડ્રાઇવરની પત્નીની નજર સામે આરોપીઓએ ચાકુના વાર કરીને તમીમની હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ આરોપીઓ પલાયન થઈ ગયા હતા, જેમની રવિવારે સાંજે હત્યા કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં જણાયું હતું કે કૅબ-ડ્રાઇવરે એક આરોપીની મોટરસાઇકલને ટક્કર મારી હતી, જેને લીધે આરોપીની મમ્મી સાથે કૅબ-ડ્રાઇવર તમીમનો ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ આરોપીઓએ આવેશમાં આવીને તમીમની હત્યા કરી નાખી હતી.