શિવસેના (UBT)ને ૨૦ ઑક્ટોબરે દાદરના શિવાજી પાર્કમાં દશેરા રૅલી યોજવા BMCની મંજૂરી મળી છે. આ વર્ષે શિંદે જૂથે શિવાજી પાર્ક માટે અરજી ન કરતાં બંને જૂથો વચ્ચે મેદાનને લઈને થતો ટકરાવ ટળી ગયો છે.
એકનાથ શિંદે
શિવસેના (UBT)ને દાદરના શિવાજી પાર્કમાં ૨૦ ઑક્ટોબરે વાર્ષિક દશેરા-રૅલી યોજવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) તરફથી મંજૂરી મળી ગઈ છે. BMCના અધિકારીઓના જણાવ્યા મુજબ ૨૦ ઑક્ટોબર માટે અન્ય કોઈ રાજકીય પક્ષે મેદાન માટે અરજી કરી ન હોવાથી ઉદ્ધવ ઠાકરે જૂથને આ પરવાનગી આપવામાં આવી છે.
એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાએ આ વર્ષે શિવાજી પાર્ક માટે કોઈ અરજી કરી નહોતી, જેના પગલે દર વર્ષે જોવા મળતો સેના vs સેનાનો રાજકીય સંઘર્ષ આ વખતે ટળી ગયો છે. શિંદે જૂથ આઝાદ મેદાન અથવા વરસાદ ચાલુ રહે તો ગોરેગામના નેસ્કો ખાતે પોતાની રૅલીનું આયોજન કરવાનું વિચારી રહ્યું છે.
શિવસેના (UBT)એ બે મહિના કરતાં વધુ સમય અગાઉ જ શિવાજી પાર્ક મેળવવા માટે BMCમાં અરજી દાખલ કરી દીધી હતી. અગાઉ ૨૦૨૩ અને ૨૦૨૪ દરમ્યાન શિવાજી પાર્ક માટે બન્ને જૂથો આમને-સામને આવી ગયાં હતાં અને બન્ને પક્ષોએ BMC સમક્ષ દાવો રજૂ કર્યો હતો. જોકે બાદમાં શિંદે જૂથે પોતાનો દાવો પાછો ખેંચી લીધો હતો.
