નાગરિકોને આવનારા બે-ત્રણ દિવસમાં આ બ્રિજ બંધ થયો હોવાની માહિતી મળશે ત્યાર બાદ તેઓ ઑલ્ટરનેટ રૂટનો ઉપયોગ કરશે એટલે અહીંનો ટ્રાફિક હળવો થશે
ગઈ કાલે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર દક્ષિણ મુંબઈની દિશામાં ટ્રાફિક જૅમ. (તસવીર - અતુલ કાંબળે)
સાયન ઈસ્ટ-વેસ્ટને જોડતા રેલવે ઓવર બ્રિજને તોડી પાડીને નવો બનાવવાનો હોવાથી ગઈ કાલથી એ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. એથી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, ડૉ. બાબાસાહેબ આંબેડકર માર્ગ, ધારાવીમાં સિક્સ્ટી અને નાઇન્ટી ફીટ રોડ અને એલ.બી.એસ. માર્ગ એમ બધે જ ટ્રાફિક-જૅમનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. બમ્પર-ટુ-બમ્પર ટ્રાફિક હોવાથી વાહનો ધીમી ગતિએ આગળ વધતાં હતાં.
ઈસ્ટર્ન ટ્રાફિકના ડેપ્યુટી પોલીસ-કમિશનર (DCP) રાજુ ભુજબળે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બ્રિજ બંધ કરવાને કારણે ગઈ કાલે સવારથી બધાં જ વાહનો ધારાવીના નાઇન્ટી ફીટ રોડ અને સિક્સ્ટી ફીટ રોડ પરથી પસાર થતાં હોવાથી સાયન હૉસ્પિટલ નજીક ઉપરાંત સાયન સ્ટેશન પાસેથી ધારાવીથી BKC જવાના ટી જંક્શન પર ટ્રાફિક-જૅમ થયો હતો. એને હળવો કરવા માટે અમે એ સ્પૉટ પર વધુ ટ્રાફિક-પોલીસ સાથે સ્થાનિક ટ્રાફિક વિભાગના અધિકારીઓને પણ બંદોબસ્ત માટે રાખ્યા હતા. નાગરિકોને આવનારા બે-ત્રણ દિવસમાં આ બ્રિજ બંધ થયો હોવાની માહિતી મળશે ત્યાર બાદ તેઓ ઑલ્ટરનેટ રૂટનો ઉપયોગ કરશે એટલે અહીંનો ટ્રાફિક હળવો થશે. એમ છતાં ગઈ કાલે જે વિસ્તારમાં વધારે ટ્રાફિક થયો હતો એના માટે પ્લાનિંગ કરવામાં આવશે.’

