ભિવંડી-અંબરનાથમાં એક્સપાયર્ડ ફૂડના ગેરકાયદે પુનઃ વેચાણના કૌભાંડનો પર્દાફાશ, FDAની ટીમોએ પાંચ મોટાં ગોડાઉનોનાં લાઇસન્સ રદ કરી દીધા
ભિવંડીના ગોડાઉનમાં કરવામાં આવેલી કાર્યવાહી.
ફૂડ ઍન્ડ ડ્રગ અૅડ્મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ તપાસમાં એક્સપાયર્ડ, ખરાબ અને ક્ષતિગ્રસ્ત ખાદ્ય પદાર્થોને અધિકૃત રીતે નષ્ટ કરવાને બદલે કાગળ પર નિકાલ બતાવીને ગેરકાયદે રીતે ખુલ્લા બજારમાં પુનઃ વેચાણ માટે મોકલવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ મામલે FDAએ થાણેના ભિવંડી અને અંબરનાથ સહિત આસપાસના વિસ્તારોમાં આવેલાં વિવિધ ગોડાઉનો, ડિસ્પોઝલ કેન્દ્રો અને સ્ટોર્સ પર દરોડા પાડીને રિલાયન્સ રીટેલ, રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને ઝોમાટો હાઇપરપ્યૉર (બ્લિન્કિટ) સાથે સંકળાયેલાં ગોડાઉનો, દલાલો, ગેરકાયદે ડિસ્પોઝલ યુનિટ્સ તેમ જ સ્થાનિક વેપારીઓ સામે કડક કાર્યવાહી કરી છે. આ ગંભીર બેદરકારી બદલ FDAની ટીમોએ પાંચ મોટી સંસ્થાઓનાં ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI) લાઇસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કર્યાં છે તેમ જ ભિવંડીના શાંતિનગર પોલીસ-સ્ટેશનમાં ગુનાહિત ફરિયાદ પણ નોંધાવી છે.
