ઘાટકોપરના વૉર્ડ-નંબર ૧૩૨માંથી જીતેલાં રિતુ તાવડે મેયરપદ માટેનાં BJPનાં ઉમેદવાર : શિવસેનાએ ડેપ્યુટી મેયરપદ માટે દહિસરના વૉર્ડ-નંબર પાંચમાંથી જીતેલા સંજય ઘાડીની પસંદગી કરી
મેયરપદ માટે BJPમાંથી ફૉર્મ ભરનારાં રિતુ તાવડે સાથે ડેપ્યુટી મેયરપદના ઉમેદવાર શિવસેનાના સંજય ઘાડી.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવેલી ભારતીય જનતા પાર્ટી (BJP)એ એના મેયરપદના ઉમેદવાર તરીકે ઘાટકોપરના
વૉર્ડ-નંબર ૧૩૨માંથી જીતી આવેલાં નગરસેવિકા રિતુ તાવડેને પસંદ કર્યાં છે, જ્યારે ડેપ્યુટી મેયરપદ માટે દહિસરના વૉર્ડ-નંબર પાંચમાંથી જીતી આવેલા સંજય ઘાડીની પસંદગી શિવસેનાએ કરી છે. બન્નેએ ગઈ કાલે તેમનાં ઉમેદવારીપત્રો ભર્યાં હતાં. મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી ૧૧ ફ્રેબ્રુઆરીએ થવાની છે.
કોણ છે રિતુ તાવડે?
ADVERTISEMENT
૧૯૭૩ની ૧૮ એપ્રિલે જન્મેલાં રિતુ તાવડે ઘાટકોપર-વેસ્ટમાં રહે છે અને બિઝનેસવુમન છે. તેમણે ૧૯૯૩માં ચેમ્બુરની આચાર્ય મરાઠે કૉલેજમાં SYBCom સુધી અભ્યાસ કર્યો છે. તેમના પતિ રાજેશ તાવડે પણ બિઝનેસમૅન છે. તેમને બે બાળકો છે. દીકરી મધુરા વકીલ છે, જ્યારે દીકરો યશ કમ્પ્યુટર એન્જિનિયર છે. તેમણે પોતાની સંપત્તિ અંદાજે ૫,૨૬,૭૬,૪૧૭ રૂપિયા નોંધાવી છે. તેમના નામે હાલ ૩ વાહનો છે. એમાં ટૉયોટા ફૉર્ચ્યુનર, હ્યુન્ડાઈ I20 અને ઍક્ટિવા સ્કૂટીનો સમાવેશ થાય છે.
રિતુ તાવડેએ કયાં-કયાં પદ સંભાળ્યાં છે?
રાજકીય કારકિર્દીમાં રિતુ તાવડેની આક્રમક ભૂમિકા રહી છે. BJP મહિલા મોરચા કાર્યક્રમ સમિતિનાં સંયોજિકા, BJP મહારાષ્ટ્ર પ્રદેશ મહિલા મોરચાનાં ઉપાધ્યક્ષ, BJP ઈશાન મુંબઈ મહિલા મોરચાનાં જિલ્લા-અધ્યક્ષ, ૨૦૧૨ અને ૨૦૧૭માં BJPનાં નગરસેવિકા, મુંબઈ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ, મુંબઈ ઉપનગર સ્થાપત્ય સમિતિનાં ઉપાધ્યક્ષ, રાજ્ય સરકારના મહિલા આર્થિક વિકાસ મહામંડળનાં સંચાલિકા, કેન્દ્ર સરકારના ખાદી ગ્રામોદ્યોગ પ્રોફેશનલ ટ્રેઇનિંગ અસોસિએટ્સનાં સભ્ય તરીકે તેમણે પદભાર સંભાળ્યો છે.
રિતુ તાવડેએ ગજવેલાં આંદોલનો
વિશ્વસ્તરે BBC દ્વારા દખલ લેવાઈ હોય એવું તેમણે આંદોલન છેડ્યું હતું. મહિલાઓની અસ્મિતાને હાનિ પહોંચાડતી અને તેમને બીભત્સ રીતે રજૂ કરતી જાહેરાતો અને પૂતળાં (મૅનિક્વિન) સામે તેમણે જબરદસ્ત આંદોલન છેડ્યું હતું જેની દખલ BBCએ પણ લેવી પડી હતી. એ પછી એવી જાહેરાતો પર બંધી મૂકવામાં આવી હતી.
મહિલા સુરક્ષા : BMCની સ્કૂલોમાં ભણતી વિદ્યાર્થિનીઓની સુરક્ષા માટે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POSCO) ઍક્ટ અંતર્ગત કઠોર કાર્યવાહી કરવા તેમણે પ્રશાસનને દોડતું કર્યું હતું.
પાણીમાફિયાઓ વિરુદ્ધની લડાઈ:
ઘાટકોપરમાં પાણીની અછતને લઈને તેમણે હાંડા મોરચો કાઢ્યો હતો જે બહુ જ ગાજ્યો હતો. એ પછી BMCએ પાણી ચોરનારાઓ સામે કડક કાર્યવાહી કરી હતી.
બંગલાદેશી ઘૂસણખોરોએ ફુટપાથ પર કબજો કર્યો છે, અમે ચોક્કસ તેમની સામે કાર્યવાહી કરીશું : રિતુ તાવડે
રિતુ તાવડેએ ફૉર્મ ભર્યા બાદ કહ્યું હતું કે ‘હું ઘાટકોપરના લોકોની આભારી છું જેમણે મને ચૂંટીને અહીં મોકલી છે. મારી પહેલી પ્રાથમિકતા મારો વૉર્ડ છે. મારી પ્રાથમિકતા મારા વૉર્ડના લોકો અને મુંબઈના દરેક નાગરિકની સેવા કરવાની રહેશે. ભારતીય જનતા પાર્ટીના મૅનિફેસ્ટોમાં સ્પષ્ટપણે લખ્યું છે કે જે બંગલાદેશી ઘૂસણખોરો અહીં આવ્યા છે અને ફુટપાથ પર કબજો કર્યો છે તેમની સામે અમે ચોક્કસપણે કાર્યવાહી કરીશું.’


