આરે રોડને રિપેર કરાવો, નહીં તો ફન્ડ ભેગું કરવા અમે ‘ભીખ માગો’ આંદોલન કરીશું
ફાઇલ તસવીર
આરે માર્કેટથી મયૂર નગર જતા ખાડા અને ધૂળવાળા રસ્તાથી કંટાળી સ્થાનિક શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતાએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પત્ર લખી રિપેર માટે વિનંતી કરી છે. ઉદ્ધવ સેનાના આરે મિલ્ક કૉલોની શાખાના હેડે સરકારને ૧૫ દિવસમાં રિપેર કરવાની માગ કરી છે, જેમાં સરકાર નિષ્ફળ જશે તો પાર્ટીના કાર્યકર્તા ‘ભીખ માગો’ આંદોલન શરૂ કરશે.
સંદીપ ગઢાવેએ સીએમને પત્ર લખ્યો કે ‘આરે વિસ્તારમાં રસ્તાનો મુદ્દો મોટો છે, પણ દુ:ખની વાત છે કે તમારી સરકારના કોઈ પણ પ્રધાન આ તરફ નજર પણ નથી કરી રહ્યા. આ વિસ્તારમાં રહેતા સિનિયર સિટિઝન, પ્રેગ્નન્ટ મહિલાઓ, શાળાનાં બાળકો અને આદીવાસીઓ આ રસ્તાનો રોજેરોજ ઉપયોગ કરે છે.’ લેટરમાં એ પણ ઉલ્લેખ છે કે આરે માર્કેટથી મયૂર નગરના રસ્તાની ખરાબ પરિસ્થિતિના કારણે લોકો અકસ્માતનો ભોગ બની ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે અને વિસ્તારમાં ધૂળ તેમ જ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે.
ADVERTISEMENT
સંદીપ ગઢાવેએ ‘મિડ-ડે’ને જણાવ્યું કે ‘જો આ રસ્તાના સમારકામનું કાર્ય ૧૫ દિવસમાં શરૂ કરવામાં ન આવે તો આ વિસ્તારના રહેવાસીઓ તમામ રસ્તા બ્લૉક કરશે. શહેરીજનો સાથે અમે પણ ‘ભીખ માગો’ આંદોલન શરૂ કરશું, જેમાં અમે સમારકામ માટે પૈસા ઉઘરાવશું. પૈસા દેશની સર્વોચ્ચ કચેરીને મોકલવામાં આવશે, જેની સાથે રહેવાસીઓ વતી લેખિત અરજી પણ હશે.’
રૉયલ પામ્સ પાસે આરે માર્કેટથી મયૂર નગર તરફ જતા રસ્તાની ગુણવત્તા નબળી હોવાને કારણે વારંવાર ‘મિડ-ડે’એ રહેવાસીઓને પડતી સમસ્યાઓ પર પ્રકાશ પાડ્યો છે. આરે મિલ્ક કૉલોનીમાં રૉયલ પામ્સમાં અને એની આસપાસ ૨૫,૦૦૦-૩૦,૦૦૦થી વધુ લોકો રહે છે અને દરરોજ ધૂળવાળા રસ્તાનો ઉપયોગ કરે છે.


