અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં
અનિલ જોશી (૨૭ જુલાઈ ૧૯૪૦થી ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫)
‘મને ખબર નથી કે હું કેવી રીતે મૃત્યુ પામવાનો છું. એ સત્ય છે કે મનુષ્ય જન્મ લેતી વખતે માત્ર એક જ માર્ગથી સૃષ્ટિ-પ્રવેશ કરે છે, પણ મૃત્યુના અનેક માર્ગ હોય છે. અમર થઈ જવાની ભ્રાંતિમાં હું જીવ્યો નથી, ક્ષણ જીવી રહ્યો છું.’
આવું કહેનાર અનિલ જોશીએ ૨૬ ફેબ્રુઆરીએ આપણી વચ્ચેથી વિદાય લીધી.
ADVERTISEMENT
થોડા દિવસ પહેલાં તેમને હૃદયરોગનો હળવો હુમલો આવ્યો હતો. એ પછી સર્જરી કરાવી, હૉસ્પિટલમાંથી રિકવર થઈ પાછા ગોરેગામના ૪૫મા માળે આવેલા ઘરે આવ્યા, પણ આકાશ કદાચ તેમને પોતાની પાસે બોલાવવા ઇચ્છતું હતું.
કવિ અનિલ જોશી ભરપૂર જીવ્યા. એક ફેસબુક પોસ્ટમાં તેમણે લખ્યું હતું, ‘મારી ઉંમર ૮૫ વર્ષ થઈ છે છતાં મજબૂત છું એનું રહસ્ય ગાંધીજીપ્રેરિત બુનિયાદી નિશાળમાં હું ભણ્યો છું. ગાંધીજીએ પરિશ્રમને ‘શ્રમ યજ્ઞ’ કહીને બહુ ઊંચી સંકલ્પના આપી છે.’
ગોંડલમાં જન્મેલા આ સક્ષમ તળપદી કવિ અને બળૂકા નિબંધકારે ૧૯૬૨-૧૯૬૯ દરમ્યાન હિંમતનગર, અમરેલીમાં શિક્ષક તરીકે ફરજ બજાવી. ૧૯૭૧-’૭૬ સુધી તેઓ ‘કૉમર્સ’ સામયિકના તંત્રી રહ્યા. ૧૯૭૬-’૭૭માં વાડીલાલ ડગલીના PA તરીકે પરિચય ટ્રસ્ટમાં સહસંપાદક તરીકે કામ કર્યું. ૧૯૭૭થી મુંબઈ મહાનગરપાલિકામાં લૅન્ગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે કામ કર્યું. તેમની નિમણૂક વખતે ડિગ્રીની ટેક્નિકલ સમસ્યા હતી ત્યારે બાળ ઠાકરેએ તેમની કવિ તરીકેની પ્રતિભા અને ભૂમિકાને કારણે નોકરી અપાવી હતી. નિવૃત્તિ પછી ભારતીય વિદ્યાભવન સાથે સંલગ્ન હતા.
અનિલ જોશીના કાવ્યસંગ્રહોમાં ‘કદાચ’ (૧૯૭૦), ‘બરફનાં પંખી’ (૧૯૮૧) અને ત્યાર બાદ આ બન્ને સંગ્રહનું પુનર્મુદ્રણ ‘ઓરાં આવો તો વાત કરીએ’ (૨૦૦૨) અને છેલ્લે સમગ્ર કવિતા ‘સાગમટે’નો સમાવેશ થાય છે. નિબંધસગ્રહોમાં ‘રંગ સંગ કિરતાર’, ‘પવનની વ્યાસપીઠે’, ‘જળની જન્મોતરી’, ‘સ્ટૅચ્યુ’, ‘બૉલપેન’, ‘બારીને પડદાનું કફન’, ‘દિવસનું અંધારું છે’, ‘કાગડો ધોળા દિવસનું અંધારું છે’ વગેરેનો સમાવેશ થાય છે. તેમણે કેટલીક ઉત્તમ વાર્તાઓ પણ લખી છે જે ‘અનિલ જોશીની કેટલીક વાર્તાઓ’ પુસ્તકમાં સંગ્રહિત થઈ છે. ગયા વર્ષે તેમની આત્મકથા ‘ગાંસડી ઉપાડી શેઠની’ પ્રકાશિત થઈ હતી.
યુવાવસ્થામાં મોરબી આર્ટ્સ કૉલેજમાં હતા ત્યારે હિન્દી નાટકમાં અભિનય કર્યો હતો. એ અરસામાં તેમની પહેલી કવિતા ‘કુમાર’ સામયિકમાં પ્રસિદ્ધ થઈ હતી. આ કવિતાને કારણે તેમને અમદાવાદની એચ. કે. કૉલેજમાં પ્રવેશ મળેલો.
અનિલ જોશીની લેખન અને સાહિત્યિક કારકિર્દીનું ઘડતર મુંબઈમાં વિશેષ થયું. તેઓ આ સંદર્ભે નોંધે છેઃ
‘મુંબઈ આવ્યો ત્યારે બહુ કડકીના દિવસો હતા, બેરોજગાર હતો. એ દિવસોમાં હરીન્દ્ર દવેએ મને ‘જન્મભૂમિ’માં પત્રકાર તરીકે નોકરીની ઑફર કરી હતી, પણ મારો નાનો પરિવાર હતો, ન જોડાયો. કવિ સિતાંશુએ તો મારા માટે MAનું ફૉર્મ મુંબઈ યુનિવર્સિટીમાંથી લાવીને મને આપતાં કહ્યું, MA થઈ જા એટલે અધ્યાપકની સલામત નોકરી મળી જશે. પણ યુનિવર્સિટીમાં મારો જ કાવ્યસંગ્રહ ‘બરફનાં પંખી’ મારે ભણવાનો હતો એટલે મેં ફૉર્મ ન ભર્યું. છેવટે હરીન્દ્ર દવેએ મારી પાસે કૉલમો લખાવી. હસમુખ ગાંધીએ તો ‘સમકાલીન’માં ત્રણ-ત્રણ કૉલમો લખાવી. એ પછી પિન્કી દલાલે સતત છ વર્ષ સુધી મારી પાસે ડેઇલી કૉલમ ‘કૉફી હાઉસ’ લખાવી. અને છેલ્લે-છેલ્લે તો ‘દિવ્ય ભાસ્કર’માં કૃષ્ણકાન્ત ઉનડકટે લાંબા સમય સુધી મારી પાસે કૉલમ લખાવી. મને હવે લેખો લખવાની આદત પડી ગઈ છે. કવિતા ઓછી લખાય છે, પણ કૉલમની આદતથી મારું વાંચન સતત વળી ગયું છે.’
કવિ માટે વાંચન એક પ્રકારનું ભોજન હતું. તેમને મળીએ એટલે વિશ્વ-સાહિત્યની વાત કરે. કયું સારું પુસ્તક આવ્યું છે કે શું વાંચવા જેવું છે એની વાત વિસ્તારથી કરે. થોડાં વર્ષો માટે તેમને લંડન રહેવાનું થયું હતું. એ સમયગાળાના વાંચન-સર્જન વિશેની વાત કરતાં તેઓ લખે છેઃ
‘જૂન-જુલાઈના દિવસોમાં અમારું બીજું હોમટાઉન રોચેસ્ટર કેન્ટ મારા લોહીમાં ભળી ગયું છે. ચાર્લ્સ ડિકન્સનું ગામ છે. મારું વાંચન મુંબઈની આપાધાપીમાં બહુ ઓછું હતું, પણ રોચેસ્ટરમાં દીકરાએ ઘર લીધું ત્યારે વર્ષે છ મહિના મારે રોચેસ્ટર રહેવાનો યોગ માએ સરજ્યો હતો. રોચેસ્ટરના કૅફેમાં બેસીને જ મેં વિશ્વના સમર્થ કવિઓને વાંચ્યા છે. મારા જન્મદિવસ પણ ત્યાં જ ઊજવ્યા છે. ઘણી બધી કવિતાઓ મેં કૅફેમાં બેસીને જ લખી છે, અનુવાદો પણ ખૂબ કર્યા છે. સાચું કહું તો આ રોચેસ્ટરમાં જ મારો પુનર્જન્મ થયો છે. મેડવે નદી અમારા ઘરની શાખપાડોશી હતી એટલે મેડવેનાં નીર હજી મારી આંખોમાં છે.’
ચાસણીમાં રસગુલ્લું તરબતર હોય એમ કવિતાથી તરબતર લેખો અને નિબંધોના આ લલિત-સર્જક ક્યારેક અલલિત કહી શકાય એવા વાદ-વિવાદમાં પણ સંકળાયા હતા. ‘સમકાલીન’માં તેમની કૉલમ ચાલતી ત્યારે એક ધાર્મિક સંદર્ભે તેમણે લખેલા લેખને કારણે હોબાળો મચી ગયો હતો. એમાં તેમણે સાધુ માટે સાધુડો શબ્દ વાપર્યો હતો. આ કારણે તેમને જાનની ધમકી મળી હતી. વર્ષ ૨૦૧૫માં રૅશનલિસ્ટ એમ. એ. કાલબુર્ગી, ગોવિંદ પાનસરે અને નરેન્દ્ર દાભોલકરની હત્યાના વિરોધમાં કેન્દ્રીય સાહિત્ય ઍકૅડેમીનો અવૉર્ડ તેમણે પાછો આપ્યો હતો.
યુવાનીમાં ‘ભગવાન-બગવાન’માં ન માનનારા આ કવિ પાછલી અવસ્થામાં મા જગદંબાનો મહિમા કરતા હતા. શ્રાદ્ધ નિમિત્તે તેમનાં લખાણોમાં તેમની વિદ્વતા અને આસ્થા બન્ને પ્રગટ થાય છેઃ
‘આજે સર્વપિતૃ શ્રાદ્ધ છે એટલે બધા જ પિતૃઓનું શ્રાદ્ધ અમે કરીશું; જેમાં શેક્સપિયર, ગાંધીજી, ચાર્લી ચૅપ્લિન, આલ્બર્ટ કામુ, ઉમાશંકર, સુરેશ જોશી, સાર્ત્ર, રિલ્કે, પ્રેમાનંદ, નેહરુ, લિંકન, ભગિની નિવેદિતા તેમ જ અસંખ્ય પિતૃઓને અમારા શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરીએ છીએ. અમારા કુળના પિતૃઓએ અમને બાયોલૉજિકલ જન્મ આપ્યો છે, પણ આ બધા પિતૃઓએ પણ મને નવો જન્મ આપ્યો છે. સૌ મહાન પિતૃઓ મા જગદંબાનાં સંતાન છે એને કેમ ભુલાય?’
અનિલ જોશીનાં ગીતોએ ગુજરાતી સાહિત્યને રળિયાત કર્યું છે. ‘મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી’, ‘કેમ સખી ચીંધવો પવનને રે’, ‘સમી સાંજનો ઢોલ ઢબૂકતો સાંજ ઊઘલતી મ્હાલે’, ‘નેજવાને પાંદડે પોઢ્યા માધવ તમે એટલે હું પાન નહીં તોડું’, ‘સૂકી જુદાઈનાં ડાળ તણાં ફૂલ’, ‘કીડીએ ખોંખારો ખાધો’, ‘પેલ્લા વર્સાદનો છાંટો મુને વાગિયો’, ‘મેં તો તુલસીનું પાંદડું બિયરમાં નાખીને પીધું’, ‘ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયા’, ‘મારી પથ્થરની કાયામાં વેલીનાં પાંદડાં ફરકે’, ‘કાળો વર્સાદ મારા દેશમાં નથી કે નથી પીળો વર્સાદ તારા દેશમાં’, ‘સૈ મેં તો પાણીમાં ગાંઠ પડી જોઈ’, ‘પાદરમાં ઝરમર વેરાય તને મળવું દે તાલ્લી...’ વગેરે ગીતો હંમેશાં યાદ રહેશે.
તેમનું લલિત ગદ્ય તો ક્યારેય નહીં ભુલાય. એક લેખમાં તેઓ લખે છેઃ
‘રસોડું મને સર્જકતાનું કેન્દ્રબિંદુ લાગ્યું. ઘઉંનો લોટ બાંધું ત્યારે ઘઉંનાં ખેતરો દેખાય. પાણી જોઉં ત્યારે મને વહેતાં ઝરણાં અને નદીઓ દેખાય. ચોખા પલાળું ત્યારે ડાંગર-કમોદનાં ખેતરો ગળે વળગે. નમકની શીશીમાં આખો દરિયો ભર્યો હોય એવું લાગે અને પાટલો-વેલણ જોઉં ત્યારે મારી બા યાદ આવી જાય.’
હજી થોડા સમય પહેલાં જ પુરુષોત્તમ ઉપાધ્યાય ગયા અને હવે અનિલ જોશી. ચાહકો માટે આવા મોટા આઘાત જીરવવા બહુ અઘરા હોય છે. છતાં એક આશા રાખીએ કે આ બન્ને જણ ‘પાનખરની બીક’ રાખ્યા વગર અલૌકિક વિશ્વને અનિલાઈથી સજાવશે.


