પાર્ટીના ચીફ રાજ ઠાકરેએ બૅન્ક્સના અસોસિએશનને પત્ર લખીને કહ્યું કે જે બૅન્ક મરાઠીમાં સર્વિસ નહીં આપે એની સામે તીવ્ર આંદોલન કરવામાં આવશે અને એના માટે બૅન્ક જવાબદાર રહેશે
રાજ ઠાકરે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)નું રજિસ્ટ્રેશન રદ કરાવવા માટે ઉત્તર ભારતીય વિકાસ સેના નામની સંસ્થાના સુનીલ શુક્લાએ સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કર્યા બાદ હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રેસિડન્ટ રાજ ઠાકરેએ ઇન્ડિયન બૅન્ક્સ અસોસિએશન (IBA)ને એક પત્ર લખીને કહ્યું છે કે એ તમામ બૅન્કને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ના નિયમ મુજબ તેમના દ્વારા આપવામાં આવતી સર્વિસમાં મરાઠી ફરજિયાત કરે, નહીં તો તેમની પાર્ટી પોતાનું આંદોલન તીવ્ર કરશે.
બુધવારે સુપરત કરવામાં આવેલા આ લેટરમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો બૅન્ક ઇંગ્લિશ, હિન્દી અને સ્થાનિક ભાષા એટલે કે મરાઠીમાં ગ્રાહકોને સર્વિસ નહીં આપે તો કાયદો અને વ્યવસ્થાની કોઈ સ્થિતિ ઊભી થશે તો એના માટે બૅન્ક જવાબદાર રહેશે.
ADVERTISEMENT
પબ્લિક અને પ્રાઇવેટ બૅન્ક માટે પ્રાદેશિક ભાષાનો ઉપયોગ કરવો ફરજિયાત હોવાના RBIએ બહાર પાડેલા સર્ક્યુલરનો હવાલો પણ IBAને મોકલવામાં આવેલા પત્રમાં આપવામાં આવ્યો છે. આ સર્ક્યુલર મુજબ બૅન્કનાં બોર્ડ અને સર્વિસ ત્રણ ભાષામાં હોવાં જરૂરી હોવાનું MNSએ કહ્યું છે.
ગયા અઠવાડિયે રાજ ઠાકરેએ પોતાની પાર્ટીના કાર્યકરોને આંદોલન અટકાવી દેવાનો આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ બાબતે આપણે લોકોને જાગૃત કરી લીધા છે. MNSના કાર્યકરોના હુમલા બાદ યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયને આ બાબતે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને આવાં અસામાજિક તત્ત્વોની સામે ઍક્શન લેવા કહ્યું હતું.

