મહિલા ટ્રાવેલ એજન્ટ સહિત બેની ધરપકડ
પ્રતીકાત્મક તસવીર
પુણેના કસ્ટમ્સ વિભાગના ઍર ઇન્ટેલિજન્સ યુનિટે ૩.૪૭ કરોડની કિંમતના અમેરિકન ડૉલર પોતાની સાથે બૅગમાં લઈ જનાર ૩ પૅસેન્જરને પકડ્યા હતા. તેમની જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે પોતે સ્ટુડન્ટ હોવાનું કહ્યું હતું. તેમનું કહેવું હતું કે આ બૅગ પુણેના એક ટ્રાવેલ એજન્ટની છે. કસ્ટમ્સના અધિકારીએ કહ્યું હતું કે ડૉલર બુક્સની વચ્ચે છુપાવવામાં આવ્યા હતા. આ સ્ટેટમેન્ટના આધારે પોલીસે તપાસ કરી ૪૧ વર્ષની ટ્રાવેલ એજન્ટ ખુશ્બૂ અગ્રવાલ અને તેને ફૉરેન કરન્સી આપનાર મુંબઈના મોહમ્મદ આમિરને ઝડપી લેવામાં આવ્યાં હતાં. આ રકમ હવાલાની હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું.
જે ત્રણ સ્ટુડન્ટ ડૉલર સાથે પકડાયા છે તેઓ દુબઈ ટ્રિપ પર જઈ રહ્યા હતા. છેલ્લી ઘડીએ ટ્રાવેલ એજન્ટ ખુશ્બૂએ તેમને આ બૅગ્સ આપી હતી અને તેમને રિક્વેસ્ટ કરતાં કહ્યું હતું કે બૅગમાં ઑફિસના મહત્ત્વના ડૉક્યુમેન્ટ્સ છે જે દુબઈ ઑફિસને પહોચાડવાના છે. એથી સ્ટુન્ડન્ટ્સ તેની વાતમાં આવી ગયા હતા અને બૅગ્સ પોતાની સાથે લઈ ગયા હતા.
ADVERTISEMENT
સૌથી પહેલાં પોલીસે ખુશ્બૂની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમ્યાન તેણે આ ડૉલર મુંબઈના મોહમ્મદ આમિરે આપ્યા હોવાનું કહ્યું હતું. મોહમ્મદ આમિર મુંબઈમાં ફૉરેન કરન્સીનું કામ કરે છે. કસ્ટમ્સના ઑફિસરોએ મોહમ્મદ આમિરની મુંબઈની ઑફિસમાં સર્ચ ઑપરેશન હાથ ધરતાં ત્યાંથી જુદા-જુદા દેશોની કરન્સી જપ્ત કરી હતી. ત્યાર બાદ પુણે કસ્ટમ્સે મુંબઈ, પુણે અને અમદાવાદ મળીને કુલ ૧૦ જગ્યાએ સર્ચ ઑપરેશન કર્યું હતું.


