પ્રેમાનંદ મહારાજ સમક્ષ ભક્તો તેમના મનની મૂંઝવણ જણાવતા હોય છે અને મહારાજ એનો ઉપાય સૂચવતા હોય છે
પ્રેમાનંદજી મહારાજ
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વૃંદાવનમાં જેમના શરણે અવારનવાર જાય છે એ પ્રેમાનંદ મહારાજ સમક્ષ ભક્તો તેમના મનની મૂંઝવણ જણાવતા હોય છે અને મહારાજ એનો ઉપાય સૂચવતા હોય છે. હમણાં એક વાઇરલ થયેલા વિડિયોમાં પ્રેમાનંદજી મહારાજે એક યુવકના અંગત પ્રશ્નની વાત કરતાં જણાવ્યું હતું કે ‘અંગત પ્રશ્નોત્તરીમાં એક યુવકે મને પોતાની સજાતીય માનસિકતા અને પસંદગી કબૂલ કરતાં જણાવ્યું હતું કે હું સ્ત્રીઓ પ્રત્યે નહીં પણ પુરુષો પ્રત્યે આકર્ષિત થાઉં છું. માતાપિતા મને લગ્ન કરવાનું દબાણ કરે છે પણ મને સ્ત્રીઓ નહીં, પુરુષો જ ગમે છે તો હું શું કરું?’
આવા પ્રશ્નના જવાબમાં પ્રેમાનંદજી મહારાજે પેલા યુવકને સમજણ આપતાં કહ્યું, ‘જો તમને સ્ત્રી તરફ આકર્ષણ ન હોય તો મારી વિનંતી છે કે મહેરબાની કરીને કોઈ નિર્દોષ સ્ત્રીને છેતરતા નહીં. લગ્ન કરીને કોઈનું જીવન બગાડવા કરતાં લગ્ન કરતા જ નહીં. તમારી લાગણીઓ વિશે માતાપિતાને સાચું જણાવી દો.’
ADVERTISEMENT
યુવકે જ્યારે કહ્યું કે માતાપિતાને કહેતાં શરમ આવે છે ત્યારે મહારાજે સમજાવ્યું કે ‘માતાપિતાને સાચી વાત કહેતાં શરમ આવે છે અને કોઈ બીજાનું જીવન બરબાદ કરવામાં શરમ નથી આવતી? તમારી મનની સ્થિતિ અને સ્વભાવ ભગવાને જ આપ્યાં છે એમાં બદલાવ શક્ય નથી તો એનો સ્વીકાર કરી હકીકત માતાપિતાને જણાવો.’ સાથે-સાથે માતાપિતાને પણ અનુરોધ કરતાં મહારાજે જણાવ્યું હતું કે ‘આ પરિસ્થિતિ ગુસ્સા અને ઠપકાથી બદલી શકાવાની નથી. એકમેકના મનની વાત સમજો અને પ્રેમ અને સમજણ સાથે જીવનમાં આગળ વધો.’ આવી સ્થિતિમાં શું કરવું? એના જવાબમાં પ્રેમાનંદજીએ જણાવ્યું હતું કે ‘પ્રભુભજન કરો, હરિનામ જ કોઈ માર્ગ દેખાડશે અને મનની વૃત્તિ પર કાબૂ મેળવી શકશો તો તમારો વિજય થશે અને એમ ન થાય તો પણ ઈમાનદારી રાખજો, લગ્ન કરીને કોઈનું જીવન ન બગાડશો.’
પ્રેમાનંદજી મહારાજના આવા વ્યવહારુ અને પ્રોગ્રેસિવ જવાબને સોશ્યલ મીડિયા પર લોકોએ આવકાર્યો છે.

