શોમાં અશ્લીલ ટિપ્પણી કરી હતી એનું શૂટિંગ ખારમાં આવેલા સ્ટુડિયોમાં થયું હતું
વિવાદાસ્પદ એપિસોડનો સીન
‘ઇન્ડિયાઝ ગૉટ લૅટન્ટ’ યુટ્યુબ શોમાં અશ્લીલ ટિપ્પણી કરવા બદલ પોલીસે શોના કર્તાહર્તા અને સ્ટૅન્ડઅપ કૉમેડિયન સમય રૈના, યુટ્યુબર રણવીર અલાહાબાદિયા, ઇન્ફ્યુએન્સર અપૂર્વા માખીજા સહિત શોના સ્પર્ધકો અને આયોજકો સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. ગઈ કાલે ખાર પોલીસે અપૂર્વા માખીજા, આશિષ ચંચલાણી, રણવીર અલાહાબાદિયાના મૅનેજર સહિત ૬ જણને પોલીસ-સ્ટેશન બોલાવ્યા હતા. ખાર પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યા મુજબ અપૂર્વા માખીજા, આશિષ ચંચલાણી અને રણવીર અલાહાબાદિયાના મૅનેજર અને શો સાથે જોડાયેલા ત્રણ ટેક્નિશ્યનનાં નિવેદન નોંધવામાં આવ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે રણવીર અલાહાબાદિયાએ ‘ઇન્ડિયાઝ ગૉટ લૅટન્ટ’ શોમાં અશ્લીલ ટિપ્પણી કરી હતી એનું શૂટિંગ ખારમાં આવેલા સ્ટુડિયોમાં થયું હતું અને અપૂર્વા માખીજા શોમાં સામેલ હતી એટલે તેની સામે મહારાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટીના ઉત્તર ભારતીય મોરચાના પદાધિકારી નિલોત્પલ પાંડેએ મહારાષ્ટ્રના સાઇબર વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ શો સાથે સંકળાયેલા ૩૦ જણ સામે ગુનો દાખલ કર્યો છે અને એક પછી એક બધાનાં સ્ટેટમેન્ટ નોંધવામાં આવશે.

