અજિત પવારના પુત્ર પાર્થ પવારે VSR એવિયેશનનું પ્લેન વાપર્યું એને પગલે સામાજિક કાર્યકર અંજલિ દમણિયાનો વેધક સવાલ - એક બાજુ કંપની બંધ કરવાની માગણી અને એ જ પ્લેનમાં મુસાફરી?
અંજલિ દમણિયાએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને ટિપ્પણી કરી હતી
ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનું પ્લેન બારામતી ઍરપોર્ટ નજીક ક્રૅશ થયું હતું. ક્રૅશ થયેલું વિમાન VSR એવિયેશન નામની કંપનીનું હતું. આ અકસ્માતમાં VSRની શંકાસ્પદ ભૂમિકાની તપાસ ચાલી રહી છે ત્યારે અજિત પવારના દીકરા પાર્થ પવારે તાજેતરમાં મુંબઈથી પુણે જવા માટે VSR વેન્ચર્સ કંપનીના પ્લેનમાં મુસાફરી કરી હતી. એક બાજુ પવાર પરિવારના સભ્ય રોહિત પવાર દ્વારા પ્લેન-ક્રૅશ કેસ પછી VSRને બંધ કરવાની માગણી થઈ રહી છે અને બીજી બાજુ પાર્થ પવાર એ જ કંપનીના પ્લેનમાં મુસાફરી કરે ત્યારે અનેક પ્રશ્નો ઊભા થાય છે. સામાજિક કાર્યકર્તા અંજલિ દમણિયાએ પણ આ મુદ્દા અંગે અનેક પ્રશ્નો કર્યા છે.
આ મુદ્દે અંજલિ દમણિયાએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને ટિપ્પણી કરી હતી કે પિતાના મૃત્યુની તપાસ ચાલી રહી છે ત્યારે પ્લેન-ક્રૅશ માટે જવાબદાર કંપનીના પ્લેનમાં જ પાર્થ પવારે કેમ મુસાફરી કરી અને આ ચાર્ટર ફ્લાઇટનું બિલ કોણ ચૂકવી રહ્યું છે એનો જવાબ પાર્થ પવારે આપવો પડશે.
ADVERTISEMENT
જોકે પાર્થ પવારે આ અંગે સ્પષ્ટતા આપતાં કહ્યું હતું કે ‘મેં ઑફિસમાં મુંબઈથી પુણે સુધીની હવાઈ મુસાફરીની વ્યવસ્થા કરવાની સૂચના આપી હતી. મારા સ્ટાફે ભૂલથી VSRનું વિમાન બુક કરાવ્યું હતું. હું પ્લેન સુધી પહોંચ્યો ત્યાં સુધી મને ખબર નહોતી કે વિમાન VSR વેન્ચર્સનું છે. ઍડ્મિનિસ્ટ્રેટિવ મિસ્ટેકને કારણે આ બન્યું છે, પણ હવે આવું નહીં થાય.’
અંજલિ દમણિયા અને અન્ય લોકોની ટીકા પછી પાર્થ પવારે ભારપૂર્વક કહ્યું કે VSR વેન્ચર્સ કંપની બાબતે તેમનું વલણ બદલાયું નથી.
