એમાં ભલે દુલ્હનનો જ ગૃહપ્રવેશ હોય છે, પરંતુ દુલ્હો પણ તેની સાથે હાથ પકડીને અંગારા પર ચાલે છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
છત્તીસગઢના આદિવાસી સમાજમાં લગ્નને લઈને કેટલીક પરંપરાઓ આજે પણ પળાય છે. રાયગઢ જિલ્લાના બિલાસપુર ગામમાં ફૉલો કરવામાં આવતી આ પરંપરા આમ તો વિલુપ્ત થઈ ગઈ છે, પરંતુ તાજેતરમાં એક યુગલે જૂની ટ્રેડિશનને જીવંત કરી હતી. આ પરંપરામાં નવી દુલ્હને ઘરમાં પ્રવેશ કરતાં પહેલાં અંગારા પર ચાલીને આવવું પડે છે. અહીં એને અગ્નિપરીક્ષા તરીકે જોવામાં આવે છે. અંગારા પર અગ્નિપરીક્ષા લેવાની પ્રથા લગભગ ૧૦૦ વર્ષ જૂની છે. એમાં ભલે દુલ્હનનો જ ગૃહપ્રવેશ હોય છે, પરંતુ દુલ્હો પણ તેની સાથે હાથ પકડીને અંગારા પર ચાલે છે. દુલ્હો તેની પત્નીને લઈને પોતાના ગામ પાછો આવે એ દરમ્યાન આ વિધિ કરવામાં આવે છે. જ્યારે દુલ્હન સાસરે આવવાની હોય અને આ વિધિ થવાની હોય એના એક દિવસ પહેલાંથી દુલ્હાના પરિવારજનો ઉપવાસ કરે છે. દુલ્હા-દુલ્હન ગામમાં પ્રવેશે એટલે એક કપડાંની આડશ જેવો નાનકડો મંડપ બાંધવામાં આવે છે. એની અંદર છૂટાછવાયા સળગતા કોલસાના અંગારા નાખવામાં આવે છે. આ કામ સસરા કરે છે. સૌથી પહેલાં સસરા એ આડશ ધરાવતા મંડપમાં અંગારા પર ઉલ્લાસનૃત્ય કરે છે. એ પછી એ અંગારાવાળા મંડપમાં દુલ્હો-દુલ્હન પ્રવેશે છે અને હાથ પકડીને એના પર ૭ ફેરા ચાલે છે. માટી પર છૂટાછવાયા અંગારા પાથરવામાં આવ્યા હોવાથી દુલ્હા-દુલ્હનને બહુ ઈજા નથી થતી.
