કાશ્મીર જઈએ ત્યારે આપણું નામ બદલી નાખીએ તો મોતથી બચી જવાય?
પ્રતીકાત્મક તસવીર
લાંબા સમય બાદ મેં આ વખતે કાશ્મીર જવાનું નક્કી કર્યું, મિત્રોને તૈયાર કર્યા, ક્યાં-ક્યાં જઈશું એની યાદી સાથે કેટલા દિવસ ફરવા માટે જોઈશે એનું પ્લાનિંગ કર્યું અને વર્ષોનાં સપનાં તથા દિવસોના પ્લાનિંગ પર અમુક જ કલાકોમાં પાણી ફરી ગયું. કારણ કહેવાની જરૂર છે? મારા જેવા અનેક લોકોએ પ્લાનિંગ તો શું, પોતાનાં કરાવેલાં બુકિંગ પણ રદ કરાવી નાખ્યાં. હા, અમે હિન્દુ છીએ, પણ અમે ડરી ગયા નથી, અમે ડરીને આ ટ્રિપ કૅન્સલ કરી નથી; પરંતુ અમારે આવું મોત નથી જોઈતું. આ કોઈ શહીદી નથી, આ બદતર કમોત અને લાચાર મોત છે.
કોઈ અમને પૂછે, તમારું નામ શું છે અને અમે હિન્દુ ધર્મના છીએ એવી ખબર પડે એટલે અમને ગોળી મારીને કાશ્મીરના સ્વર્ગને બદલે ભગવાનના સ્વર્ગમાં પહોંચાડી દે એવો સ્વર્ગવાસ અમને માન્ય નથી. મારા મિત્રની નાની દીકરીએ મારા મિત્રને, એટલે કે તેના પિતાને કહ્યું, પાપા, આપણે કાશ્મીર જઈશું ત્યારે કોઈ પૂછે તો આપણે હિન્દુ છીએ એવું નહીં કહીએ, મેં ન્યુઝપેપરમાં વાંચ્યું કે ત્યાં હિન્દુઓને મારી નાખે છે. એક જ દિવસના અમુક કલાકોમાં જ કાશ્મીર સ્વર્ગમાંથી નરક બનવા લાગ્યું. હા, માત્ર અમુક માણસોને કારણે અને તેમના અધાર્મિક ઝનૂનને કારણે. આવા ઝનૂની માણસો અહીં પણ છે; મુંબઈમાં, પશ્ચિમ બંગાળમાં, ગુજરાતમાં, તામિલનાડુમાં.
ADVERTISEMENT
સરકારે તાત્કાલિક મીટિંગ યોજી આ દુર્ઘટનાની ચર્ચા કરી, પરંતુ જેઓ હિન્દુ હોવાથી મર્યા તેમનું શું? તેમના પરિવારનું શું? શું હિન્દુ હોવું અપરાધ છે? મુંબઈના કહેવાતા હિન્દુ સમ્રાટો, રક્ષકો, પ્રેમીઓ, ઝનૂનીઓ ક્યાં છે? માત્ર ભાષાના નામે નિર્દોષ લોકોને માર મારતા, ધમકાવતા, લોકોને ઉશ્કેરતા આ નેતાઓ આ ઘટનામાં કેમ ચૂપ છે? બૂમબરાડા પાડીનેય શું કરી શકશે? શું અહીં તેઓ કોઈને ધર્મ પૂછીને મારી શકશે? એમ કરશે તો શું થશે? બીજા કોઈ કંઈ કરે કે ન કરે, સૌપ્રથમ હિન્દુઓ જ તેમના પર તૂટી પડશે; કારણ કે તેઓ પોતાને સેક્યુલર કહેવડાવે છે.
‘અ વેન્સડે’ ફિલ્મના સંવાદો યાદ કરોઃ હમ તો ઐસે હી મારેંગે, ક્યા કર લોગે તુમ? ક્યાં છે આપણામાંના સ્ટુપિડ કૉમન મૅન? કાયમ હિન્દુઓને મહેણાં મારતા, તેમની નિંદા કરતા, તેમને જવાબદાર માનતા ઇન્ટલેક્ચ્યુલ્સ લોકો? સરકાર શું કરશે હવે? વધુ એક સર્જિકલ સ્ટ્રાઇક? ક્યાં સુધી આમ ને આમ ચાલ્યા કરશે?
અમારા જેવા લોકોએ ક્યાં સુધી કાશ્મીર ન જવું? મિત્રની નાની નિર્દોષ દીકરી કહે છે, એ લોકો હિન્દુને મારે છે તો આપણે એક કામ કરીએ, આપણે કાશ્મીર જઈએ ત્યારે થોડા દિવસો આપણું નામ મુસલમાનનું હોય એવું રાખીએ તો ન ચાલે? છે કોઈની પાસે જવાબ?


