મુંબઈ BJPના ચીફ અમીત સાટમે BMCની ચૂંટણીમાં NCPના નેતા તરીકે નવાબ મલિકને સ્વીકારવાની ના પાડી દીધી છે
વિજય વડેટ્ટીવાર
કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા વિજય વડેટ્ટીવારે ગઈ કાલે દાવો કર્યો હતો કે ‘હાલની સત્તાધારી મહાયુતિએ જાણીજોઈને અજિત પવારના વડપણ હેઠળની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ને સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓમાં અલગથી લડવા કહ્યું છે જેથી સેક્યુલર વોટ તોડી શકાય. BJP અને શિવસેના સાથે મળીને લડશે, પણ NCP અલગથી લડશે. અજિત પવારને એ લોકો જ્યારે સત્તાની વહેંચણી કરવાની હશે ત્યારે સાથે રાખશે, પણ હાલ તો કૉન્ગ્રેસના વોટ તોડવા માટે તેમનાથી અલગ જ ચૂંટણી લડશે.’
વિજય વડેટ્ટીવારે BJP ડબલ સ્ટાન્ડર્ડ ધરાવે છે એમ જણાવીને કહ્યું હતું કે હસન મુશરીફને તેમણે કૅબિનેટમાં સ્થાન આપ્યું છે, પણ જેવું ઇલેક્શન નજીક આવે એટલે અજિત પવારની પાર્ટી સાથે અંતર જાળવવા નવાબ મલિકનો ઇશ્યુ ફરી ઊભો કરવામાં આવે છે.
ADVERTISEMENT
મુંબઈ BJPના ચીફ અમીત સાટમે BMCની ચૂંટણીમાં NCPના નેતા તરીકે નવાબ મલિકને સ્વીકારવાની ના પાડી દીધી છે અને સ્પષ્ટ કરી દીધું છે કે BMCની ચૂંટણીમાં BJP અને શિવસેના સાથે મળીને ચૂંટણી લડશે. અજિત પવારને તેમણે સામેલ નથી કર્યા એમ જણાવતાં વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે ‘BJP હિન્દુત્વના મુદ્દે શિવસેનાને સાથે રાખશે પણ NCPને અલગ કરી દેશે જેથી કૉન્ગ્રેસના વૉટ તૂટે. BJP હિન્દુ–મુસ્લિમનું આ રીતે ધ્રુવીકરણ કર્યા વગર ચૂંટણી ન જીતી શકે. એથી જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે આવા વિવાદ ચગાવવામાં આવે છે.’
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બે દિવસ પહેલાં જ કહ્યું હતું કે મોટા ભાગની મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં BJP-શિવસેના સાથે મળીને લડશે; જ્યારે પુણે, પિંપરી-ચિંચવડમાં BJP અને NCP મૈત્રીપૂર્ણ લડત લડશે.


