પત્નીએ પતિને સુધારવા માટે ડ્રગ અને સાઇકોલૉજીની થેરપી પણ અપાવી. એમ છતાં ખાસ ફરક ન જણાતાં પત્નીએ છૂટા પડવાનું નક્કી કરી લીધું
દીકરાની એકલા હાથે પરવરિશ કરતી નેબુએ પોતાના આ અનુભવ પર કૉમિક કહાણીરૂપે ભાવનાત્મક રજૂઆત કરી છે
લગ્નજીવનમાં પતિ કે પત્ની એકબીજાને ચીટ કરતાં હોય એવા અનેક કિસ્સાઓ ચર્ચાતા આવ્યા છે, પરંતુ જપાનમાં એક મહિલાએ દાવો કર્યો હતો કે તેના પતિને એક-બે કે પાંચ-દસ નહીં, ૫૨૦ અફેર હતાં. આવું કઈ રીતે શક્ય છે? જ્યારથી નેબુ નામની મહિલાએ આ વાત જાહેર કરી છે ત્યારથી સવાલ ઊઠ્યો છે કે શું આ સાચું છે કે પછી એક મહિલાના ગપગોળા જ? જોકે નેબુબહેને આ વાત માત્ર સોશ્યલ મીડિયા પર સસ્તી પબ્લિસિટી માટે જ કહી નથી. તેણે આના પર એક કૉમિક પુસ્તક પણ લખ્યું છે. સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટમાં પ્રકાશિત થયેલા રિપોર્ટ મુજબ નેબુ કુસાનો નામની મહિલા પોતાને ખૂબ સુખી અને પ્રેમાળ પતિ સાથેનું સુંદર લગ્નજીવન છે એવું માનતી હતી. જોકે પતિના સામાનમાંથી એક વાર તેને એક વિચિત્ર પદાર્થ મળ્યો. એ હતો કામોત્તેજના માટેની ડ્રગ. ફરી એક વાર તેને પતિના મોબાઇલમાંથી એક ડેટિંગ ઍપ પણ મળી આવી. એનાં નોટિફિકેશન્સ જોયાં તો નેબુના પગ તળેથી ધરતી સરકી ગઈ. તેણે સીધેસીધું જ પતિને પૂછી લીધું. તો પતિએ કહ્યું કે તેને કામનું ખૂબ સ્ટ્રેસ રહેતું હોવાથી તેનાં અફેર થઈ ગયાં છે. તેણે દલીલ કરી કે હું સ્ટ્રેસને બહાર જ સંભાળી લઉં છું, ઘરે નથી લાવતો એટલે જ આપણો સંસાર સુખી છે.
એ પછી તો પત્નીએ પતિના અફેરના પુરાવાઓ શોધવા માટે તેનો ફોન અને રેકૉર્ડ ચેક કરવાનું શરૂ કર્યું તો ખબર પડી કે તેને એક-બે છોકરી સાથે નહીં, અત્યાર સુધીમાં ૫૨૦ છોકરીઓ સાથે અફેર રહી ચૂક્યાં છે. તાત્કાલિક પતિને જેલભેગો કરવાનો વિચાર તેને આવ્યો, પણ પછી નેબુને થયું કે આમ કરશે તો દીકરાના માથેથી પિતાનું છત્ર જતું રહેશે. તેને થયું કે ૫૨૦ લોકો સાથે અફેર કર્યા પછી પણ માણસ કઈ રીતે સ્થિર રહી શકે? એ સમજવા માટે પતિને લઈને ડૉક્ટર પાસે જવું. પતિ તૈયાર પણ થઈ ગયો. ડૉક્ટરે તપાસ કરીને કહ્યું કે તેના પતિને અજીબ પ્રકારનું સેક્સ-ઍડિક્શન છે. આ પ્રકારનું ઍડિક્શન વિશ્વમાં ગણીને લગભગ ૩૦થી ૩૨ લોકોમાં જ જોવા મળ્યું છે. પત્નીએ પતિને સુધારવા માટે ડ્રગ અને સાઇકોલૉજીની થેરપી પણ અપાવી. એમ છતાં ખાસ ફરક ન જણાતાં પત્નીએ છૂટા પડવાનું નક્કી કરી લીધું. દીકરાની એકલા હાથે પરવરિશ કરતી નેબુએ પોતાના આ અનુભવ પર કૉમિક કહાણીરૂપે ભાવનાત્મક રજૂઆત કરી છે જે સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં આ ઘટના જાહેર થઈ હતી.


