૪ ફ્લૅટ, ૧૨૦૦ ગ્રામ સોનું, એક કરોડ રૂપિયાના શૅર્સ, ફિક્સ્ડ ડિપોઝિટ અને ઘરનું ફર્નિચર સુધ્ધાં વેચાવી નાખ્યાં
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
બોરીવલી-ઈસ્ટમાં રહેતા ગુજરાતી સિનિયર સિટિઝનને અંધશ્રદ્ધા, કાળો જાદુ અને દેવીના કોપનો ડર બતાવીને ૬,૩૮,૦૦,૦૦૦ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે દહિસર પોલીસે ૬૮ વર્ષનાં સિનિયર સિટિઝન મહિલાની ફરિયાદના આધારે ૬ પુરુષ અને ૩ મહિલાઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓએ મહિલા અને તેના પતિને જીવનું જોખમ હોવાનું જણાવી કાળા જાદુનો ડર ઊભો કર્યો હતો. ત્યાર બાદ સતત ૮ વર્ષ સુધી થોડા-થોડા પૈસા પડાવ્યા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. પોલીસે બૅન્ક-ટ્રાન્ઝૅક્શન સહિતની માહિતી ભેગી કરીને આરોપીની તપાસ હાથ ધરી છે.
દહિસર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સરજેરાવ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૧૮થી શરૂ થયેલા આ વિશ્વાસઘાતના ખેલમાં આરોપીઓએ પાડોશીના માધ્યમથી દંપતીનો સંપર્ક કર્યો હતો. એ સમયે દહિસરમાં રહેતા દંપતીના ઘર અને સંપત્તિ પર કાળા જાદુનો પ્રભાવ હોવાનું તથા પરિવારના સભ્યોના જીવન પર જોખમ હોવાનું જણાવીને આરોપીઓએ દંપતીને મનમાં ઠસાવી દીધું હતું. દોષનિવારણ અને શુદ્ધીકરણના નામે ઠગ લોકોએ દંપતીના ચાર ફ્લૅટ વેચાવડાવ્યા હતા તેમ જ ૧૨૦૦ ગ્રામ સોનાના કીમતી દાગીના, એક કરોડ રૂપિયાના શૅર્સ, બૅન્ક અને પોસ્ટ ઑફિસની ૪૫ લાખની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) બચત, ઘરનું ફર્નિચર તેમ જ વ્યાજે નાણાં લઈને કુલ ૮ વર્ષમાં ૬,૩૮,૦૦,૦૦૦ રૂપિયા પડાવી લીધા હતા. આ તમામ રકમ પવિત્ર મઠમાં જમા કરાવી શુદ્ધીકરણ બાદ પાછી આપવાનું નાટક કરવામાં આવ્યું હતું.’
ADVERTISEMENT
ઠગટોળકીની અસલી મોડસ ઑપરૅન્ડી
દહિસર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કૌભાંડની સૌથી ચોંકાવનારી બાબત આરોપીઓની કામ કરવાની મોડસ ઑપરૅન્ડી હતી જે તપાસ દરમ્યાન બહાર આવી હતી. આરોપીઓએ વિવિધ મોટા વિદ્વાન ગુરુઓ સાથે ફરિયાદીને ફોન પર વાત કરાવી હતી. જોકે ફોન પર વાત કરનાર મોટા ગુરુઓ નહીં પણ આરોપી ટોળકી અવાજ બદલીને વાત કરતી હતી. એ ઉપરાંત ઘરમાં પૂજા-પાઠ અને ધૂણવાનાં નાટકો કરીને ઘરમાં પરિવારને અશુભ ઘટનાઓ અને મોતનો ડર બતાવવામાં આવતો હતો. આ સમગ્ર કાંડનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે દંપતીએ ગુરુજીને મળવા માટે હૈદરાબાદ જવા માટે પાડોશી પાસે મદદ માગી અને તેમણે સમગ્ર ઘટના જાણીને અમારો સંપર્ક કરવાની સલાહ આપી હતી. આરોપીઓએ આ જંગી રકમમાંથી ગોરેગામ અને અન્ય વિસ્તારોમાં લક્ઝુરિયસ ફ્લૅટ્સ અને મિલકતો પણ ખરીદી લીધી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. હાલ તમામ આરોપીની તપાસ હાથ ધરવામાં આવી છે.’
