બાઇક પર આવેલા બે માણસોએ ૬ ગોળી છોડી, જેમાંથી ૪ ગોળી કૉન્ટ્રૅક્ટરને વાગી
બાઇક પર આવેલા હુમલાખોરો નજીકની દુકાનના CCTV કૅમેરાનાં ફુટેજમાં ઝિલાઈ ગયા હતા
નવી મુંબઈના સાનપાડામાં આવેલા ડી-માર્ટ પાસે ગઈ કાલે સવારે ૯.૩૦ વાગ્યે પોતાની કારમાં ચા પી રહેલા ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)ના ૪૮ વર્ષના ગાર્બેજ કૉન્ટ્રૅક્ટર અને રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ઍક્ટિવિસ્ટ રાજારામ ઠોકે પર બાઇક પર આવેલા બે લોકોએ એકદમ નજીકથી ફાયરિંગ કર્યું હતું. બાઇક પર પાછળ બેસેલા શૂટરે તેમના પર પાંચથી છ ગોળી ફાયર કરી હતી અને એ પછી તેઓ નાસી ગયા હતા. ચાર ગોળી રાજારામ ઠોકેને વાગતાં તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તરત જ સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવાયા હતા.
આ ઘટનાની જાણ થતાં સાનપાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ ચાલુ કરી હતી. હત્યારાઓ નજીકની એક દુકાનમાં લગાડેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં ઝિલાઈ ગયા છે. પોલીસે એ ફુટેજના આધારે તેમને શોધી કાઢવા તપાસ ચાલુ કરી છે.