દિશા સાલિયનના મૃત્યુ બાદ એ કેસમાં આદિત્યનું નામ ન લેવા ઉદ્ધવ ઠાકરેએ પોતાને બે વાર કૉલ કર્યો હોવાના નારાયણ રાણેએ કરેલા દાવાને ખોટો ગણાવીને સંજય રાઉતે કહ્યું કે રાણેની ધરપકડ થઈ ત્યારે તેમના પરિવારજનોએ ઉદ્ધવ ઠાકરેને ફોન કરીને સંભાળ રાખવાનું કહ્યું હતું
નારાયણ રાણે, ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે
ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય નારાયણ રાણેએ શનિવારે દાવો કર્યો હતો કે દિશા સાલિયનના મૃત્યુના મામલામાં આદિત્ય ઠાકરેને બચાવવા માટે ઉદ્ધવ ઠાકરેએ પોતાને બે વખત ફોન કર્યો હતો. જોકે આના સંદર્ભમાં ઉદ્ધવસેનાના મુખ્ય પ્રવક્તા અને રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતે ગઈ કાલે નારાયણ રાણેને જવાબ આપતાં કહ્યું હતું કે ‘નારાયણ રાણેએ કયા પુરાવાને આધારે આરોપ કર્યા છે એ સમજવું જરૂરી છે. તેમની તબિયત સારી નથી લાગતી. ૭૦ વર્ષના થયા છે એટલે તેમની તબિયતની અમને ચિંતા થાય છે. નારાયણ રાણેની જે સમયે ધરપકડ થઈ હતી ત્યારે તેમના પરિવારમાંથી ઉદ્ધવ ઠાકરેને ફોન આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે સંભાળજો, નારાયણ રાણેની તબિયત સારી નથી. રાણેના પરિવારે જ નહીં, દિલ્હીથી અમિત શાહે ફોન કરીને ઉદ્વવ ઠાકરેને કહ્યું હતું કે નારાયણ રાણે અમારા પ્રધાન છે, જરા સંભાળજો.’

