BMC આવતા અઠવાડિયામાં પાણીકાપ મૂકવો કે નહીં એના પર નિર્ણય લે એવી શક્યતા છે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાં પાણીનો સ્ટૉક હવે માત્ર ૧૦ ટકા બચ્યો હોવાથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) આવતા અઠવાડિયામાં પાણીકાપ મૂકવો કે નહીં એના પર નિર્ણય લે એવી શક્યતા છે. જોકે ઇમર્જન્સીનો સ્ટૉક છે જ, પણ એમ છતાં હાલ ઝડપથી થઈ રહેલા બાષ્પીભવનને કારણે પાણીનો સ્ટૉક ઘટી રહ્યો છે એટલે BMC આ બાબતે અવઢવમાં છે. પાણીનો ૧૦ ટકા સ્ટૉક પણ અંદાજે ૨૮થી ૩૦ દિવસ સુધી ચાલતો હોય છે. BMCના ઑફિસરે કહ્યું હતું કે ‘આ વર્ષે મોસમ વિભાગે સારો વરસાદ થશે એવી આગાહી કરી છે. વરસાદ આંદામાનથી કેરલા તરફ આગળ વધી રહ્યો છે. મુંબઈમાં એ ક્યારે આવશે એની ચોક્કસ તારીખ હજી મળી નથી. ઍટ લીસ્ટ બે અઠવાડિયાં સારો વરસાદ થાય તો જળાશયોની સપાટી વધતી હોય છે. એથી અમે બધી જ બાબતોની ચકાસણી કરીને એ પછી પાણીકાપ મૂકવો કે નહીં એ વિશે નિર્ણય લઈશું.’

