ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ મુંબઈમાં માત્ર બે અને સબર્બ્સમાં પોણો ઇંચ જ વરસાદ
માઝા લાડકા ખડ્ડા લખેલું ટી-શર્ટ પહેરીને ખાડાનો કરવામાં આવ્યો વિરોધ : મુંબઈના ખાડાવાળા રસ્તાઓથી ત્રાહિમામ થઈ ગયેલા નાગરિકો અને વૉચડૉગ ફાઉન્ડેશનના સભ્યોએ ‘માઝા લાડકા ખડ્ડા’ લખેલું ટી-શર્ટ પહેરીને સહાર ગામમાં ગઈ કાલે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. ફાઉન્ડેશને ખાડાને લીધે થતી હાલાકી દૂર કરવામાં નિષ્ફળ ગયેલા સરકારી અધિકારીઓ અને કૉન્ટ્રૅક્ટરો સામે મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટની જોગવાઈઓ લાગુ કરવાની માગણી કરી હતી.
રવિવારે મુંબઈમાં ૧૨ કલાકમાં ૮ ઇંચ વરસાદ થયા બાદ હવામાન વિભાગે બુધવાર સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. જોકે ગઈ કાલે કેટલાંક ભારે ઝાપટાંને બાદ કરતાં શહેરમાં છૂટોછવાયો વરસાદ જ પડ્યો હતો. આથી કોઈ મુશ્કેલી ઊભી નહોતી થઈ. ગઈ કાલે વરસાદ ઓછો પડ્યો હતો, પરંતુ ચારેક દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે રસ્તાઓ પર ખાડા પડી જવાથી વાહનવ્યવહારને અસર થતાં ઘણી જગ્યાએ ટ્રાફિક જૅમ થયો હતો. ગઈ કાલે સાઉથ મુંબઈમાં ૪૩.૨ મિલીમીટર અને સબર્બ્સમાં ૧૯.૯ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે ૪૫થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.
ADVERTISEMENT
મુંબઈની આસપાસ થાણે, નવી મુંબઈ, મીરા-ભાઈંદર, વસઈ-વિરારમાં પણ ગઈ કાલે રવિવારના પ્રમાણમાં ઓછો વરસાદ પડ્યો હતો એટલે લોકોએ રાહત અનુભવી હતી. જોકે વસઈ-વિરારના અમુક વિસ્તારમાં રવિવારે પાણી ભરાઈ ગયાં હતાં એનો ગઈ કાલે પણ નિકાલ નહોતો થયો એટલે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.