મુંબઈના રસ્તા પર ખાડા પડશે તો તાત્કાલિક પગલાં લેવાશે એવા દાવા પાણીમાં : BMCના ટોચના અધિકારીઓએ પણ ખાડા પૂરવામાં થતા વિલંબ બદલ બળાપો ઠાલવ્યો
ફાઇલ તસવીર
મુંબઈમાં ભારે વરસાદ વરસવાની સાથે જ રસ્તાઓ પર મસમોટા ખાડા પડી ગયા છે. ૧૬ જુલાઈ સુધી સુધરાઈએ રસ્તા પર ૫૮૧૪ ખાડા પડી ગયા હોવાનું નોંધ્યું હતું, મોટા ભાગના ખાડા ગયા અઠવાડિયે પડ્યા હતા. સુધરાઈએ દાવો કર્યો છે કે ૯૭ ટકા ખાડા સમયસર પૂરી દેવામાં આવ્યા છે અને જ્યાં કામ નહીં થયું હોય એ વિસ્તારના સબ-એન્જિનિયરોને નોટિસ ઇશ્યુ કરવામાં આવશે.
જૂનમાં મુંબઈમાં મોડો અને ઓછો વરસાદ થયો હતો, પણ જુલાઈમાં ૭ અને ૯ તારીખે ભારે વરસાદ પડ્યો ત્યારે મુંબઈના રસ્તાઓ પર ખાડા પડી ગયા હતા અને ૧૬ જુલાઈ સુધીમાં ખાડા પડવાની ૫૮૧૪થી વધારે ફરિયાદ નોંધાઈ હતી. સુધરાઈએ ૫૬૪૩ ખાડા પૂરી દીધા હોવાનો દાવો કર્યો છે, પણ સુધરાઈના ઉચ્ચ સ્તરીય અધિકારીઓ આ કામનાં પરિણામોથી નાખુશ છે.
ADVERTISEMENT
મુંબઈમાં ૨૦૫૦ કિલોમીટર લાંબા રોડ છે જે પૈકી ૨૦૨૨ સુધીમાં ૯૯૦ કિલોમીટરના રોડને કૉન્ક્રીટના બનાવાયા છે. ૨૦૨૨ના જાન્યુઆરીમાં ૨૧૦ કિલોમીટર રોડનું કૉન્ક્રીટીકરણનું કામ શરૂ થયું છે અને ફેબ્રુઆરી ૨૦૨૩માં વધુ ૩૯૭ કિલોમીટરના રોડ માટેની દરખાસ્ત મંજૂર થઈ છે, એમાં પચીસ ટકા કામ થયું છે.
૨૦૨૩માં ૬૦,૦૦૦ ખાડાને ૪૦૦ કરોડ રૂપિયાના ખર્ચે પૂરવામાં આવ્યા હતા. આ વર્ષે સુધરાઈએ ખાડા પૂરવા માટે ૨૭૫ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.
સૌથી વધુ ખાડા ક્યાં પડ્યા?
- આર-સાઉથ (કાંદિવલી)
- આર-સેન્ટ્રલ (બોરીવલી)
- કે-ઈસ્ટ (અંધેરી-ઈસ્ટ, જોગેશ્વરી-ઈસ્ટ અને વિલે પાર્લે-ઈસ્ટ)
- એમ-ઈસ્ટ (માનખુર્દ, ગોવંડી અને દેવનાર)
- કે-વેસ્ટ (અંધેરી-વેસ્ટ, જોગેશ્વરી-વેસ્ટ અને વિલે પાર્લે-વેસ્ટ)
- પી-નૉર્થ (મલાડ)
- એસ-સાઉથ (ભાંડુપ)
ફરિયાદ ક્યાં કરવી?
સુધરાઈએ ૨૨૭ વૉર્ડમાં ખાડા પૂરવા માટે સબ-એન્જિનિયરોના નંબર શૅર કર્યા છે. એમાં પહેલા સાત ડિજિટ ૯૫૯૪૭૨૩ કૉમન છે. પાછળના ત્રણ ડિજિટ વૉર્ડ-ક્રમાંક છે. આથી ૧ નંબરના વૉર્ડ માટે ૯૫૯૪૭૨૩૦૦૧ નંબર રહેશે, ૨૨૭ વૉર્ડ માટે ૯૫૯૪૭૨૩૨૨૭ નંબર રહેશે. આ સિવાય સુધરાઈની ઍપ MyBMCPotholeFixiT પર પણ ફરિયાદ કરી શકાશે. પ્લે-સ્ટોરમાંથી એ ડાઉનલોડ કરી શકાશે.
ખાડા પડવાની ગણતરી
- શહેરમાં ૫૮૧૪ ખાડા પડ્યા, જેમાંથી ૫૬૪૩ પૂરી દેવામાં આવ્યા.
- ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ૧૧૯૯ ખાડા પડ્યા, જેમાંથી ૧૧૮૭ પૂરી દેવામાં આવ્યા.
- વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ૧૯૨૯ ખાડા પડ્યા, જેમાંથી ૧૯૨૮ પૂરી દેવામાં આવ્યા.

