ગઈ કાલે જોરદાર બૅટિંગ કર્યા બાદ મેઘરાજા આગામી ચાર દિવસ સુધી વરસવાનું ચાલુ રાખશે એવી વેધશાળાએ કરી આગાહી
ગઈ કાલે બોરીવલી-વેસ્ટમાં ડોન બોસ્કોના સિગ્નલ પાસે પાણી ભરાઇ ગયાં હતાં (તસવીર : નિમેશ દવે)
બીએમસીને ચોમાસાએ ગઈ કાલે એવું હંફાવ્યું કે ઠેર-ઠેર રસ્તાઓ પર ભરાયેલાં પાણીમાંથી ચાલતાં-ચાલતાં મુંબઈગરાને હાંફ ચડી ગઈ. સબવે બંધ-ચાલુ થયા, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને ઈસ્ટર્ન સબર્બ્સમાં પાણી ભરાયાં અને હજી તો ચાર દિવસ ભારે વરસાદની આગાહી છે. એક રૂપેરી કોર એટલી કે લાઇફલાઇન સમી લોકલ ટ્રેનો ચાલુ રહી અને મેટ્રોએ પણ એનો સાથ આપ્યો. જોકે મલાડમાં ઝાડ પડતાં એક ગુજરાતી જૈન કૌશલ દોશીનો જીવ ગયો. ગોરેગામમાં પણ એક યુવકનું ઝાડ પડતાં મોત થયું.
મુંબઈમાં આગામી ચાર-પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી બીએમસી પ્રશાસને અલર્ટ જાહેર કરી છે. બીએમસીના કમિશનર ઇકબાલ સિંહ ચહલે મ્યુનિસિપલ કૉર્પોરેશનનાં તમામ વિભાગીય કાર્યાલયોમાં અસિસ્ટન્ટ કમિશનરોને તેમના સંબંધિત વિભાગોમાં નીચાણવાળા વિસ્તારોનું નિરીક્ષણ કરવાની અને સંબંધિત સ્થળોએ જરૂરિયાત મુજબ નક્કર પગલાં લેવાની સૂચના આપી છે.
ADVERTISEMENT
પ્રથમ વરસાદમાં મુંબઈમાં ઠેર-ઠેર પાણી ભરાઈ જવાને કારણે મહાનગરપાલિકાની ઘણી ટીકા થઈ હતી. આ ઉપરાંત ગઈ કાલથી ચાર-પાંચ દિવસ મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એથી કમિશનરે તમામ સંબંધિત અધિકારીઓને સતર્ક રહેવાનો આદેશ આપ્યો છે. ડેપ્યુટી કમિશનર, અસિસ્ટન્ટ કમિશનર અને વરસાદી પાણી નિકાલ વિભાગના અધિકારીઓને ખાસ તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે.
મુંબઈ અને ઉપનગરોમાં ગઈ કાલ સવારથી ભારે વરસાદની સાથે ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ યલો અલર્ટને ઑરેન્જમાં અપગ્રેડ કરી છે, જે અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદનો સંકેત આપે છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હોવાથી વાહનવ્યવહાર પર અસર પડી હતી. મુંબઈ સહિત થાણે, દિવા, કલવા, મુમ્બ્રા, ભિવંડી સહિતના વિસ્તારોમાં સારોએવો વરસાદ પડ્યો હતો. રસ્તાનાં અધૂરાં કામોને કારણે થાણેના વાગળે એસ્ટેટ વિસ્તારમાં થાણેથી મુંબઈ અને મુંબઈથી થાણે જતા રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો લાગી જતાં લાંબા સમય સુધી ટ્રાફિક-જૅમ થયો હતો. આઇએમડીએ મુંબઈ તેમ જ એના પાડોશી જિલ્લાઓ પાલઘર, થાણે અને રાયગડ માટે ઑરેન્જ અલર્ટ જાહેર કરી હતી. ભારે વરસાદને કારણે અંધેરી સબવેની નજીક દોઢથી બે ફુટ પાણી ભરાઈ જવાથી ગઈ કાલે બપોરે ૧૨.૪૫ વાગ્યે વાહનોની અવરજવર માટે સબવે બંધ કરી દેવામાં આવ્યો હતો અને ટ્રાફિકને એસ. વી. રોડ તરફ વાળવામાં આવ્યો હતો. એક કલાક બાદ સબવેને ફરીથી ચાલુ કરવામાં આવ્યો હતો. આ સિવાય બોરીવલી, દહિસર, વિક્રોલી, કુર્લામાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. બોરીવલીમાં સ્ટેશનની આસપાસના વિસ્તારમાં જબરદસ્ત પાણીભરાવ જોવા મળ્યો હતો. જ્યારે વસઈ-વિરારના અનેક રસ્તાઓ પર પણ પાણી જમા થયું હોવાથી વાહનોની અવરજવર ધીમી પડી ગઈ હતી.
મુંબઈમાં ભારે વરસાદ સાથે છેલ્લા ત્રણ દિવસમાં ‘My BMC pothole fixit’ ડિજિટલ પોર્ટલમાં ખાડા સંબંધિત ૧૦૨ ફરિયાદો નોંધાઈ છે. ખાડા સંબંધિત ફરિયાદો નોંધવા અને એનું ઝડપથી નિરાકરણ થાય એની ખાતરી કરવા માટે બીએમસી દ્વારા ૨૦૧૯માં મુંબઈગરાઓ માટે ઑનલાઇન ઍપ્લિકેશન શરૂ કરવામાં આવી હતી. દરમ્યાન એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘ખાડાઓ દૂર કરવાની ઝુંબેશ ચોવીસ કલાક ચાલુ છે. હાલ કૉન્ટ્રૅક્ટરો દ્વારા કરવામાં આવી રહેલા ખાડાઓ ભરવાના કામની દેખરેખ માટે ૨૨૭ સબ-એન્જિનિયર્સ તહેનાત કરવામાં આવ્યા છે. ઍપ્લિકેશનમાંથી મેળવેલા ડેટા મુજબ મુંબઈવાસીઓએ મંગળવાર સુધીમાં ૧૦૨ ફરિયાદો નોંધાવી હતી. બીએમસીએ એમાંથી ચોવીસ પર કામ પૂરું કર્યું હતું. બીએમસી ૫૧ ખાડાઓ પર સમારકામ શરૂ કરવાની યોજના ધરાવે છે. ડેટા એ પણ દર્શાવે છે કે કુલ મળેલી ફરિયાદોમાંથી આઠ ફરિયાદ ખોટી હતી.’
ઉપનગરોમાં વરસાદને લીધે ટ્રાફિક-જૅમ
મુંબઈનાં પૂર્વ ઉપનગરોમાં ગઈ કાલે સવારથી જ વરસાદે થોડા-થોડા અંતરે જોરદાર ઝાપટાં વરસાવ્યાં હતાં. આ વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી જમા થઈ ગયું હતું. મુંબઈમાં બાંદરાથી અંધેરી સુધીના વેસ્ટર્ન એક્સપ્રેસવે પર ઘણી જગ્યાએ દિવસ દરમ્યાન ટ્રાફિક જૅમ જોવા મળ્યો હતો. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર અંધેરી, બોરીવલી તરફ જવા માટે વાહનોની લાંબી કતારો લાગી હતી. મુંબઈગરાઓએ આવા ટ્રાફિક-જૅમમાંથી પસાર થવું પડી રહ્યું છે, કારણ કે ઘણી જગ્યાએ રોડનું કામ ચાલી રહ્યું છે અને બીજી તરફ સમયાંતરે ભારે વરસાદ પણ પડી રહ્યો હતો.