રાજીવ રંજન નામના આ આરોપી પર ૧૫ કરોડ રૂપિયાના દુરુપયોગનો છે આરોપ
ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કની ફાઇલ તસવીર
ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કના ૧૨૨ કરોડ રૂપિયાના કૌભાંડમાં મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિન્ગે (EOW) ગઈ કાલે ઝારખંડમાંથી રાજીવ રંજન પાંડે નામના આરોપીની ધરપકડ કરી હતી. ઝારખંડના બોકારોમાં રહેતા આરોપીએ આ કેસના બીજા આરોપીઓ હિતેશ મહેતા અને ઉન્નાથન અરુણાચલમ પાસેથી મેળવેલા ૧૫ કરોડ રૂપિયાના કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી (CSR) ફન્ડ્સમાં દુરુપયોગ કર્યો હોવાનું પોલીસની તપાસમાં જણાઈ આવ્યું છે. આ રકમ પર ૫૦ ટકા ઊંચું વળતર આપવાને નામે આરોપીએ રોકાણ કર્યું હતું અને નફો હિતેશ મહેતા અને ઉન્નાથન અરુણાચલમ સાથે શૅર કર્યો હતો.
મુંબઈ પોલીસના EOWના અધિકારીના જણાવ્યા મુજબ આરોપી રાજીવ રંજનની પૂછપરછમાં જણાઈ આવ્યું છે કે તે સ્કૅમથી વાકેફ છે. આરોપી તેના ત્રણ સહયોગીઓ સાથે મુંબઈ આવ્યો હતો અને તેણે હિતેશ મહેતાને રોકાણ પર સારું રિટર્ન આપવાની ઑફર કરી છે. આથી હિતેશ મહેતાએ બૅન્કમાંથી કોઈને જાણ કર્યા વિના ૧૫ કરોડ રૂપિયા ઉપાડ્યા હતા. હિતેશ મહેતાએ આ રકમ ઉન્નાથન અરુણાચલમને આપી હતી જે બાદમાં રાજીવ પાંડેને આપવામાં આવી હતી.
ADVERTISEMENT
ઉન્નાથન અરુણાચલમની ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછમાં રાજીવ રંજને ૧૫ કરોડ રૂપિયાનો દુરુપયોગ કર્યો હોવાનું જણાઈ આવ્યું હતું. આથી મુંબઈ પોલીસની ટીમે ગઈ કાલે બોખારોમાંથી રાજીવ પાંડેની ધરપકડ કરી હતી. મુંબઈ લાવ્યા બાદ આરોપીને હૉલિડે કોર્ટમાં રજૂ કરીને પોલીસ-કસ્ટડી મેળવવામાં આવી છે.

