જોખમી ન હોવા છતાં મીરા રોડમાં અસંખ્ય મજબૂત વૃક્ષો કાપી નાખવામાં આવ્યાં
સ્થાનિક લોકોની સાથે પર્યાવરણપ્રેમીઓએ વાંધો લઈને વૃક્ષોની કતલ અટકાવી હતી
ચોમાસું શરૂ થવામાં છે ત્યારે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગ દ્વારા જોખમી વૃક્ષોની છટણી કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે એમાં જૂનાં અને અડીખમ વૃક્ષોને પણ કાપવામાં આવી રહ્યાં હોવાનો આરોપ થઈ રહ્યો છે. બુધવારે વિશ્વ પર્યાવરણ દિવસ હતો ત્યારે મીરા રોડના કાશીગાવમાં સવારના સમયે ગાર્ડન વિભાગની ટીમ એક સોસાયટીની બહાર પહોંચી હતી અને જરાય જોખમી ન હોય એવાં વૃક્ષોને કાપવાનું શરૂ કર્યું હતું. સ્થાનિક લોકોની સાથે પર્યાવરણપ્રેમીઓએ વાંધો લઈને વૃક્ષોની કતલ અટકાવી હતી. આ વિશે ફૉર ફ્યુચર ઇન્ડિયાના હર્ષદ ઢગેએ કહ્યું હતું કે ‘વિશ્વ પર્યાવરણ દિવસે દુનિયાભરમાં વૃક્ષોનું રક્ષણ કરવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવે છે, જ્યારે અહીં ઊલટી ગંગા વહે છે. જોખમી વૃક્ષો કે ડાળ કાપવાને બદલે આ લોકોએ મજબૂત અને અડીખમ વૃક્ષો પણ કાપી નાખ્યાં છે. બીજું, વૃક્ષોની છટણી કેવી રીતે કરવી જોઈએ એની તાલીમ લીધા વિનાના કર્મચારીઓને છટણીના કામમાં લગાવવામાં આવે છે. આ ગંભીર મામલો છે.’
મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગના ઇન્ચાર્જ કાંચન ગાયકવાડનો સંપર્ક કરવાનો પ્રયાસ ‘મિડ-ડે’ને કર્યો હતો, પરંતુ તેમની સાથે વાત નહોતી થઈ શકી.