બેસતા વર્ષે એક રેસ્ટોરાંમાં દીવાની જ્યોતના સ્પર્શથી પ્રિયા ગડાના ડ્રેસે પકડેલી આગે તેમને પણ લપેટમાં લઈ લીધાં ઃ ૬૫ ટકા દાઝી ગયેલાં માટુંગાનાં આ હોમમેકરના શરીરમાં ૧૫ દિવસની સારવાર દરમ્યાન ઇન્ફેક્શન પ્રસરી ગયું હતું અને એ જીવલેણ નીવડ્યું
પ્રિયા પ્રશાંત ગડા
નજર હટી દુર્ઘટના ઘટી. આવો જ એક બનાવ બેસતા વર્ષના દિવસે અંધેરીની ક્લાઉડ નાઇન ક્લબમાં બન્યો હતો. ફૅમિલી-ફોટો લેતી વખતે માટુંગાનાં ૪૫ વર્ષનાં પ્રિયા પ્રશાંત ગડાના ડ્રેસને હોટેલની લૉનમાં પ્રગટાવેલા દીવાની જ્યોતથી આગ લાગી જતાં તે ૬૫ ટકા દાઝી ગયાં હતાં. ભાયખલાની મસીના હૉસ્પિટલમાં ૧૫ દિવસની સારવાર દરમ્યાન શરીરમાં ઇન્ફેક્શન પ્રસરી જતાં પ્રિયાનું શુક્રવારે દેવદિવાળીના દિવસે અવસાન થયું હતું. આ બનાવથી કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજમાં અને ગડા પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પ્રિયાને ૧૬ વર્ષની પુત્રી છે.
આ બનાવની માહિતી આપતાં પ્રિયાના એક રિલેટિવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રિયા અને પ્રશાંતનાં લવમૅરેજ છે. પ્રિયાનું પિયર ગુજરાતમાં છે. નવા વર્ષના દિવસે પ્રિયાનાં માતા-પિતાએ અંધેરીની કલાઉડ નાઇન ક્લબમાં રાતે પાર્ટીનું આયોજન કર્યું હતું. હોટેલમાં બેસવાની જગ્યા મળે ત્યાં સુધી આ પરિવાર સમય પસાર કરવા માટે હોટેલની ગાર્ડન-લૉનમાં ફોટો પાડી રહ્યો હતો. હોટેલની લૉનમાં દિવાળીના તહેવારને કારણે દીવા પ્રગટાવીને ડેકોરેશન કરવામાં આવ્યું હતું. આ પરિવાર ફોટો પ્રૉપર આવે એ માટે બધા સભ્યોને લૉનમાં ઍડ્જસ્ટ કરી રહ્યો હતો. ફોટો માટે આગળ-પાછળ કરવામાં અચાનક પ્રિયાના ડ્રેસને લૉનમાં પ્રગટાવેલા દીવાની જ્યોત લાગી ગઈ હતી અને તેનો ડ્રેસ બળવા લાગ્યો હતો. જોતજોતાંમાં પ્રિયા આગની લપેટમાં આવી ગઈ હતી. પરિવારના સભ્યો અને હોટેલના સ્ટાફે પ્રિયાને બચાવવા માટે પ્રયાસ કર્યા હતા, પણ પ્રિયા આગમાં ૬૫ ટકા દાઝી ગઈ હતી.’
પ્રિયાને ઇમર્જન્સીમાં સાંતાક્રુઝની એક હૉસ્પિટલમાં લઈ ગયા હતા એમ જણાવતાં આ રિલેટિવે કહ્યું હતું કે ‘પ્રિયાની ગંભીર હાલતને ધ્યાન રાખીને તેના પરિવારે બીજા દિવસે પ્રિયાને ભાયખલાની મસીના હૉસ્પિટલમાં શિફ્ટ કરી હતી, જ્યાં શરીરમાં ઇન્ફેક્શન થઈ જવાથી પ્રિયાનું આખરે આ શુક્રવારે મૃત્યુ થયું હતું. આ સુખસંપન્ન પરિવારની સૌથી મોટી ટ્રૅજેડી એ છે કે ચાર વર્ષ પહેલાં પ્રિયાની જેઠાણી બીજલનું કૅન્સરમાં મૃત્યુ થયું હતું, જેને ૧૬ વર્ષનો પુત્ર છે. હવે પ્રિયાનું દાઝી જવાથી મૃત્યુ થયું છે અને તેને ૧૬ વર્ષની પુત્રી છે.’