મલબાર હિલ પર પ્રકૃતિને નજીકથી માણવા માટે એલિવેટેડ વૉકવે બનાવવામાં આવ્યો છે. માર્ચ મહિનામાં ખુલ્લા મુકાયેલા નેચર ટ્રેલ માટેના આ વૉકવેને પર્યટકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે
મલબાર હિલ
મલબાર હિલના વુડન વૉકવેની મુલાકાત લેવા માટે હવે વૉટ્સઍપ મેસેજ દ્વારા ઑન ધ સ્પૉટ સ્લૉટ બુક કરાવી શકાશે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ વૉકવેના ઑનલાઇન બુકિંગને વધુ સરળ બનાવવા માટે આ નવી સવલત આપી છે.
મલબાર હિલ પર પ્રકૃતિને નજીકથી માણવા માટે એલિવેટેડ વૉકવે બનાવવામાં આવ્યો છે. માર્ચ મહિનામાં ખુલ્લા મુકાયેલા નેચર ટ્રેલ માટેના આ વૉકવેને પર્યટકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એ માટે ૨૦૦ પર્યટકોનો એક કલાકનો સ્લૉટ બુક કરવામાં આવે છે. અત્યારે BMCની વેબસાઇટ પરથી ઍડ્વાન્સમાં સ્લૉટ-બુકિંગ થઈ શકે છે, પરંતુ ચોમાસાને કારણે ઑનલાઇન બુકિંગ સિસ્ટમમાં અમુક વાર અડચણ આવે છે જેને કારણે પર્યટકોમાં ઘટાડો થયો હોવાની શક્યતા છે. અમુક વાર સ્લૉટ ખાલી હોવા છતાં ઑનલાઇન બુકિંગ ન હોવાથી પર્યટકોએ પાછા ફરવું પડે છે. આ બધી સમસ્યાઓ હવે ઉકેલાશે એમ જણાવતાં BMCના અધિકારીએ કહ્યું હતું કે ‘ઑનલાઇન બુકિંગનું કામ થર્ડ પાર્ટી દ્વારા કરાવવામાં આવે છે. હવે વૉટ્સઍપ દ્વારા બુકિંગની પ્રક્રિયા ઇનહાઉસ કરવામાં આવશે જે યુઝર-ફ્રેન્ડ્લી પણ હશે. ઑન ધ સ્પૉટ બુકિંગ માટે વૉટ્સઍપ નંબર ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે તેમ જ સ્પૉટના સમયમાં પણ ૧૫ કે ૩૦ મિનિટના સ્લૉટનો વિકલ્પ આપવામાં આવશે.’


