બાઇકચાલક અને પાછળ બેસનારી વ્યક્તિ વચ્ચે પાર્ટિશન હશે
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના પરિવહન વિભાગે ગઈ કાલે બાઇક-ટૅક્સી ચલાવવા માટેની મંજૂરી આપી છે એટલે મુંબઈમાં એકથી બીજી જગ્યાએ એકલા જવા માટે બે મહિના બાદ ટ્રેન, બસ, ઑટો અને ટૅક્સી ઉપરાંત બાઇક-ટૅક્સીની સુવિધા પણ મળશે. ૧ ફેબ્રુઆરીથી ઑટો અને ટૅક્સીના ભાડામાં વધારો કરવામાં આવશે, પણ સિંગલ વ્યક્તિ બાઇક-ટૅક્સીમાં સસ્તામાં પ્રવાસ કરી શકશે. બાઇક-ટૅક્સીની સર્વિસ આપતી કંપનીમાં મોટા ભાગના બાઇકચાલક પુરુષ હશે એને ધ્યાનમાં રાખીને બાઇક-ટૅક્સીમાં બાઇક ચલાવનારા અને પાછળ બેસેલી વ્યક્તિ વચ્ચે પાર્ટિશન મૂકવામાં આવશે.
મુંબઈમાં પ્રાઇવેટ ઍપ આધારિત ઓલા અને ઉબર કૅબની સાથે મુંબઈમાં થોડા સમય માટે રૅપિડો કંપનીએ બાઇક-ટૅક્સી શરૂ કરી હતી, પરંતુ ઑટો અને ટૅક્સીચાલકોના યુનિયને વિરોધ કર્યો હતો અને એ સમયે સરકારે આ બાબતે કોઈ નિર્ણય નહોતો લીધો એટલે રૅપિડો કંપનીએ મુંબઈમાં બાઇક-ટૅક્સીની સર્વિસ બંધ કરી દીધી હતી.

