Kunal Kamra Controversy: એકનાથ શિંદે પર ટિપ્પણી બાદ હૅબિટેટ સ્ટુડિયોમાં શિવસેનાએ તોડફોડ કરી. કૉમેડિયને કહ્યું, "કોર્ટ કહેશે તો જ માફી માગીશ." ઉદ્ધવ ઠાકરેએ કૉમેડિયનને સમર્થન આપ્યું, જ્યારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નિંદા કરી હતી.
કુણાલ કામરા (ફાઇલ તસવીર)
કી હાઇલાઇટ્સ
- એકનાથ શિંદે પર ટિપ્પણી બાદ શિવસેના કાર્યકરોએ સ્ટુડિયોમાં તોડફોડ કરી!
- "કોર્ટ કહેશે તો જ માગીશ માફી" – કુણાલ કામરાએ આપ્યું ચોંકાવનારું નિવેદન!
- ઉદ્ધવ ઠાકરેએ સમર્થન આપ્યું, જ્યારે ભાજપે કર્યાં પ્રહારો!
જાણીતા કૉમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કરેલી ટિપ્પણીને કારણે થયેલા વિવાદ પર પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. કામરાએ જણાવ્યું કે તેને કોઈ પસ્તાવો નથી. જો કોર્ટ કેહશે તો તે માફી માગશે, પણ સ્વેચ્છાએ નહીં. તેની ટિપ્પણી પર શિવસેના (એકનાથ શિંદે જૂથ) અને ભાજપ દ્વારા માફીની માગ કરવામાં આવી છે.
કેમ વધ્યો વિવાદ?
કુણાલ કામરાએ મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ પર વ્યંગ્યાત્મક રીતે એક ગીત રજૂ કર્યું હતું, જેમાં તેણે એકનાથ શિંદે પર ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીને શિવસેના (શિંદે જૂથ) અને ભાજપના કાર્યકરોએ અપમાનજનક ગણાવી હતી. કામરાની ટિપ્પણી સામે ઉગ્ર વિરોધ નોંધાવતા શિવસેના કાર્યકરોએ ખારમાં આવેલા હૅબિટેટ સ્ટુડિયોમાં તોડફોડ કરી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં શિવસેના કાર્યકરો સ્ટુડિયોમાં તોડફોડ કરતા અને ફર્નિચર ઉથલાવી રહ્યા હોવાનું જોવા મળ્યું.
ADVERTISEMENT
કુણાલ કામરાનું નિવેદન
મુંબઈ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે કુણાલ કામરાએ નિવેદન આપ્યું છે કે તેણે કશું ખોટું કર્યું નથી અને આ ટિપ્પણી પાછળ કોઈ રાજકીય અજેન્ડા નથી. કામરાએ વધુમાં કહ્યું કે જો કોર્ટ માફી માગવા માટે કહે તો તે માફી માગશે, પણ તે સ્વેચ્છાએ માફી નહીં માગે. શિવસેનાના નેતા મુરજી પટેલે તેની ટિપ્પણીને લઈને પોલીસમાં FIR નોંધાવી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે "આવી ટીપ્પણીઓ સહન કરવામાં આવશે નહીં." કુણાલ કામરાએ તેનું નામ રાજકીય વિવાદોમાં ખેંચી લેવાયું હોવાનો દાવો કર્યો છે. તેણે પોલીસને તેના આર્થિક વ્યવહારોની તપાસ કરવાની મંજૂરી આપી છે, જેથી સાબિત થઈ શકે કે આ ટિપ્પણી માટે તેને વિપક્ષ તરફથી પૈસા મળ્યા નથી.
ઉદ્ધવ ઠાકરેએ કામરાને સમર્થન આપ્યું
કુણાલ કામરાની ટિપ્પણીને લઈને રાજ્યમાં રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો. મહારાષ્ટ્રના વિપક્ષી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તેના સમર્થનમાં નિવેદન આપ્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, "કુણાલ કામરાએ માત્ર હકીકતને વ્યંગ્યાત્મક રીતે વ્યક્ત કરી છે." કૉંગ્રેસે પણ શિવસેના કાર્યકરો દ્વારા કરવામાં આવેલી તોડફોડ પર નારાજગી વ્યક્ત કરી છે. કૉંગ્રેસે કહ્યું કે, "જો કોઈને લાગ્યું હોય કે ટિપ્પણી આક્ષેપજનક છે, તો કાયદાકીય કાર્યવાહી કરી શકાય, પણ તોડફોડ અને હિંસા યોગ્ય નથી."
જાણો શું છે આખી ઘટના?
સ્ટેન્ડ-અપ કૉમેડિયન કુણાલ કામરાએ પોતાના શૉમાં શિંદે પર વિવાદિત ટિપ્પણી કરી હતી. આ મામલે ઉગ્ર શિવસૈનિકોએ જ્યાં શૉનું શૂટિંગ કરવામાં આવ્યું હતું, ત્યાં ધામો નાખ્યો. હકીકતે, શિવસેના કાર્યકર્તાઓએ રવિવારે મુંબઈના ખાર વિસ્તારમાં હોટેલ યૂનિકૉન્ટિનેંટલમાં તોડફોડ કરી હતી. આ હોટેલમાં સ્ટેન્ડ-અપ કૉમેડિયન કુણાલ કામરાના શૉનું શૂટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં તેણે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર કટાક્ષ કરતા તેમને ગદ્દાર કહ્યા હતા. ત્યાર બાદ શિવસેના યુવા સેના (શિંદે જૂથ)ના મહાસચિવ રાહુલ કનાલ અને 19 અન્ય વિરુદ્ધ પ્રાથમિકી નોંધવામાં આવી છે. બીએનએસ અને મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમની વિભિન્ન કલમો હેઠળ એફઆઈઆર નોંધાવવામાં આવ્યો છે.

