Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શોકસભા નહીં, આક્રંદ પણ નહીં

શોકસભા નહીં, આક્રંદ પણ નહીં

Published : 08 June, 2026 09:19 AM | IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

બાની ૧૪ વર્ષ પહેલાંની અંતિમ ઇચ્છાને માન આપીને કાંદિવલીના મહેતા પરિવારે લવ, લાઇફ ઍન્ડ લેગસીનો કાર્યક્રમ યોજીને તેમને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી

સદ્ગત ચંદન મહેતા અને તેમનો પરિવાર.

સદ્ગત ચંદન મહેતા અને તેમનો પરિવાર.


સામાન્ય રીતે કોઈ પ્રિયજનના અવસાન પછી પરિવારજનો પ્રાર્થનાસભાનું આયોજન કરે છે પણ કાંદિવલીનાં ૯૪ વર્ષનાં ચંદન મહેતાએ ૨૦૧૨માં તેમના પરિવાર સમક્ષ તેમના મૃત્યુ બાદ સફેદ કપડાં પહેરીને શોક અને આક્રંદ કરવાને બદલે મહોત્સવ મનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ગઈ કાલે સવારે મહેતા પરિવારે માતુશ્રીની આ ઇચ્છા પૂરી કરવા માટે કાંદિવલીના રઘુલીલા મૉલના શેઠિયા બૅન્ક્વેટ હૉલમાં ચંદનબહેનની અવિસ્મરણીય સ્મૃતિઓ, સંગીત અને લાગણીઓથી ભરપૂર ભજનનો કાર્યક્રમ યોજીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જેમાં દેશ-વિદેશથી તેમના સ્વજનો અને પ્રિયજનોએ હાજરી આપી હતી. 



રઘુલીલાના શેઠિયા બૅન્ક્વેટ હૉલનું અનોખું ડેકોરેશન.


ગઈ કાલના ‘લવ, લાઇફ ઍન્ડ લેગસી’ સેલિબ્રેશનની માહિતી આપતાં ચંદનબહેનના પૌત્ર જયમીન મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ પ્રસંગના વિચારની શરૂઆત ખૂબ સહજ રીતે થઈ હતી. મહેતા પરિવારના સભ્યોએ પહેલાં તો એકત્ર થઈને બા સાથે જોડાયેલાં તેમના જીવનનાં સંસ્મરણો સાથે બેસીને વાગોળ્યાં હતાં. ત્યાર પછી તેમની નજર સમક્ષ એક પછી એક બા સાથે અને બાના જીવન સાથે જોડાયેલા અનેક પ્રસંગો સામે તરી આવ્યા હતા જેમાંથી એક વાત સૌને સમજાઈ ગઈ કે ચંદનબા તેમના પોતાના સમય કરતાં ઘણું આગળ વિચારી શકનાર અને અસાધારણ વ્યક્તિત્વ ધરાવતાં મહિલા હતાં. પરિવારજનો વચ્ચેની ચર્ચા દરમ્યાન એક વાત સ્પષ્ટ હતી કે પરંપરાગત અને રૂઢિચુસ્ત પ્રાર્થનાસભા બાના વ્યક્તિત્વને ન્યાય આપી શકશે નહીં. તેઓ એટલાં જીવંત, હકારાત્મક, શોખીન અને નિખાલસ સ્વભાવનાં હતાં કે માત્ર શોકસભા યોજવી એ તેમના જીવનની ભાવનાને પૂરતી રીતે વ્યક્ત ન કરી શકે.’


ભજન અને ચંદનબાના જીવન મહોત્સવના કાર્યક્રમને માણી રહેલાં ડૉ. યોગેશ મહેતા, તેમનાં પત્ની પાયલ મહેતા અને જનમેદની.

ચંદનબહેન તેમનું ૯૪ વર્ષનું સમૃદ્ધ, અર્થપૂર્ણ અને આનંદમય જીવન જીવીને તેમની પાછળ તેમના પરિવારજનો માટે પ્રેમ, સંસ્કાર અને મૂલ્યોથી ભરેલો એક પરિવાર છોડી ગયાં હતાં એથી તેમને લાગ્યું કે આ પ્રસંગને માત્ર વિદાય તરીકે નહીં પરંતુ તેમના જીવનની ઉજવણી તરીકે મનાવવો જોઈએ. આ વિચારમાંથી જન્મ્યો ‘લવ, લાઇફ ઍન્ડ લેગસી’નો એક એવો કાર્યક્રમ જે બાના જીવન, તેમનાં મૂલ્યો અને તેમની પ્રેરણાદાયી યાત્રાને સમર્પિત હતો એમ જણાવતાં જયમીન મહેતાએ ઉમેર્યું હતું કે ‘સંગીત બાના જીવનનો અભિન્ન ભાગ હતું. ભજન, સુગમ સંગીત, રાસ-ગરબા અને વિવિધ પ્રકારના સંગીતમય કાર્યક્રમો તેમને ખૂબ પ્રિય હતાં એથી અમે પરિવારના તમામ સભ્યો ભેગા થયા અને બાને ગમતાં ભજનો અને ગીતોની યાદી તૈયાર કરી હતી. આ સંગીતમય અર્પણ માત્ર કાર્યક્રમ નહોતો પણ બાના જીવન અને તેમની પસંદગીઓને અર્પણ થયેલી હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ હતી. અમારાં બા સંગીતપ્રેમી હોવા ઉપરાંત સનાતન ભારતીય સંસ્કારના જીવંત પ્રતિબિંબ હતાં. વડીલો પ્રત્યે આદર, નાનાં બાળકો પ્રત્યે પ્રેમ, પરિવાર પ્રત્યે સમર્પણ, સાદગી, કરુણા અને સૌને સાથે લઈને ચાલવાની ભાવના તેમના જીવનનાં મૂળ આધારસ્તંભ હતાં. સંબંધોને સાચવવા, લોકોને પ્રેમથી સ્વીકારવા અને જીવનની દરેક ક્ષણમાં આનંદ શોધવાની તેમની દૃષ્ટિએ અનેક લોકોને પ્રેરણા આપી છે.’

ચંદનબહેનના દીકરા મૂળ ચોરવાડના મોઢ વણિક વૈષ્ણવ ડૉ. યોગેશ મહેતા જેઓ MD ફિઝિશ્યન અને કાર્ડિયોલૉજિસ્ટ છે તેમના પરિવાર માટે આ કાર્યક્રમ માત્ર સ્મરણનો પ્રસંગ નહોતો; એ કૃતજ્ઞતાની અભિવ્યક્તિ હતો. એ બાના પ્રેમ, તેમના હાસ્ય, તેમની ઉષ્મા અને તેમણે આપેલાં જીવનમૂલ્યોને નમન કરવાનો અવસર હતો. આ સંદર્ભે તેમના પરિવારના અંગત સ્વજન ડૉ. દિલીપ રાયચુરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલના ભગવાન રામ-કૃષ્ણનાં ભજનના કાર્યક્રમ દ્વારા ચંદનબાના શોકને સ્મૃતિમાં અને સ્મૃતિને ઉત્સવમાં પરિવર્તિત કરીને પરિવારે એવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી જે બાના વ્યક્તિત્વને સૌથી વધુ અનુરૂપ હતી. પરિવારજનોએ કાર્યક્રમને અનુરૂપ કૃષ્ણ ભગવાનના મિત્રો, મટુકી, વાંસળીના ડેકોરેશનથી હૉલને શણગાર્યો હતો. ચંદનબાએ સૌને શીખવ્યું હતું કે જીવન પ્રેમથી જીવવું, સંબંધોને હૃદયથી નિભાવવું અને દરેક પળને ઉત્સવની જેમ માણવી. આ કોઈ વિદાય નહોતી; આ પ્રેમ, જીવન, વારસો અને સનાતન ભારતીય સંસ્કારોથી સમૃદ્ધ એવા એક અદ્વિતીય વ્યક્તિત્વની ઉજવણી હતી. બાના આશીર્વાદ આજે પણ પરિવાર અને મિત્રોના જીવનને પ્રકાશિત કરતા રહે છે.’

Whatsapp-channel Whatsapp-channel

08 June, 2026 09:19 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK