ભિવંડીમાં પતરાના ગોડાઉનમાંથી દોઢ લાખનું ગૌમાંસ જપ્ત, બે જીવતાં પશુઓ મુક્ત કર્યાં
પ્રતીકાત્મક તસવીર
ભિવંડીના ગણેશ કમ્પાઉન્ડ ખાતે રવિવારે સાંજે શીળ-ડાઇઘર પોલીસે ગેરકાયદે કતલખાના પર દરોડો પાડીને દોઢ લાખનું ગૌમાંસ જપ્ત કરીને બે જીવતાં પશુઓ મુક્ત કર્યાં હતાં. બકરી ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસની ટીમ પૅટ્રોલિંગ કરી રહી હતી. દરમ્યાન થાણે કન્ટ્રોલ રૂમ તરફથી મળેલી બાતમીના આધારે રવિવારે રાતે ૩ વાગ્યે ગણેશ કમ્પાઉન્ડમાં આવેલા પતરાના એક ગોડાઉનમાં રેઇડ પાડવામાં આવી હતી. ત્યાંથી સાત આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ વિવિધ વિસ્તારમાંથી ગાય ચોરીને, એની કતલ કરીને મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં એના માંસની ડિલિવરી કરતા હોવાની માહિતી સામે આવી છે.
શીળ-ડાઇઘર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગણેશ કમ્પાઉન્ડની ગલીના છેડે આવેલા પતરાના ગોડાઉનમાં છાપો મારીને તપાસ કરતાં ગૌવંશના પશુઓના કાપેલા ધડના ૨૮ પગ અને કતલ કરાયેલાં પાંચ માથાં મળી આવ્યાં હતાં. આશરે ૫૦૦ કિલો ગૌવંશનું માંસ જપ્ત કરવામાં આવ્યું હતું. આ સિવાય કતલખાનાના ખૂણામાં બાંધી રાખેલા બે બળદને મુક્ત કરાવીને ગૌશાળામાં મોકલી આપ્યા છે. તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે આ ગાયો ૨૩ મેએ વહેલી સવારે એક સ્થાનિક ખેડૂતના તબેલામાંથી ચોરી કરવામાં આવી હતી. આરોપીના ગોડાઉનમાંથી આશરે ૭ લાખ રૂપિયાની માલમતા જપ્ત કરવામાં આવી છે. આરોપી અહીં કેટલાંક વર્ષોથી ગૌવંશની કતલ કરતા હોવાની માહિતી પણ સામે આવી છે.’
ADVERTISEMENT
ગૌતસ્કરી અને ગેરકાયદે કતલ વિરુદ્ધ કડક ઍક્શનની ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરની ચેતવણી
બકરી ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ગૌવંશના ગેરકાયદે પરિવહન, ગેરકાયદે કતલખાનાં અને પશુઓ પ્રત્યેની ક્રૂરતા વિરુદ્ધ રાજ્યવ્યાપી કડક ઝુંબેશ શરૂ કરી છે. રાજ્યના પરિવહનપ્રધાન પ્રતાપ સરનાઈકે ચેતવણી આપી છે કે ગૌતસ્કરી અથવા ગેરકાયદે કતલની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી કોઈ પણ વ્યક્તિ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સૂચના બાદ પરિવહન વિભાગે પચીસથી ૨૮ મે દરમ્યાન સમગ્ર મહારાષ્ટ્રમાં વિશેષ તપાસ-ઝુંબેશ ચલાવવાનો આદેશ આપ્યો છે. આ અંતર્ગત તમામ RTO, ચેકપોસ્ટ અને પરિવહન વિભાગોને વાહનોનું સઘન ચેકિંગ કરવાના નિર્દેશો આપવામાં આવ્યા છે.
