ગઠિયાએ ગયા વર્ષે હોટેલિયરનો સંપર્ક કર્યો હતો અને પોતે નાશિકમાં સ્ટેટ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટમાં કર્મચારી છે એમ જણાવ્યું હતું
પ્રતીકાત્મક તસવીર
કલવામાં હોટેલ ધરાવતા ફરિયાદીને એક ગઠિયો દારૂ વેચવાનું લાઇસન્સ ૧૩ લાખ રૂપિયામાં અપાવશે એમ કહીને છેતરી ગયો હતો. ગઠિયાએ ગયા વર્ષે હોટેલિયરનો સંપર્ક કર્યો હતો અને પોતે નાશિકમાં સ્ટેટ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટમાં કર્મચારી છે એમ જણાવ્યું હતું. તેણે તેને તેની હોટેલમાં દારૂ વેચવાનું લાઇસન્સ અપાવી શકે એમ છે એવી લાલચ આપી હતી. એથી હોટેલિયરે તેના પર વિશ્વાસ મૂકીને તેને એ માટે ૧૩ લાખ રૂપિયા આપ્યા હતા. જોકે લાંબો વખત વીતી જવા છતાં લાઇસન્સ ન અપાવી શકતાં હોટેલિયરે તેની પાસે ૧૩ લાખ રૂપિયા પાછા માગ્યા હતા. એ વખતે ગઠિયાએ ગલ્લાં-તલ્લાં કરવા માંડતાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાઈ આવતાં હોટેલિયરે આખરે કલવા પોલીસ-સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. કલવા પોલીસે ગઠિયા સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધીને તેની શોધ ચાલુ કરી છે.

