પોલીસ આંખ આડા કાન કરે છે : જીવદયાપ્રેમીમાં રોષ અને નારાજગી
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
મુંબઈમાં ઘોડાગાડી પર કોર્ટનો પ્રતિબંધ હોવા છતાં મરીન લાઇન્સ અને ચર્ચગેટ વચ્ચેના રસ્તાઓ પર કોર્ટના આદેશનો તિરસ્કાર કરીને ઘોડાગાડીઓ દોડતી જોવા મળે છે. આ બાબતમાં જીવદયાપ્રેમી તરફથી પોલીસમાં અનેક વાર ફરિયાદ કરવા છતાં પોલીસ આંખ આડા કાન કરી રહી છે જેને લીધે જીવદયાપ્રેમીમાં રોષ અને નારાજગી પ્રવર્તી રહી છે.
આ સંદર્ભે માહિતી આપતાં જસ્ટ સ્માઇલ ચૅરિટેબલ ટ્રસ્ટની સ્થાપક ટ્રસ્ટી સ્નેહા વિસરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ખાસ કરીને મુસ્લિમ તહેવારો દરમ્યાન બાંદરા, આગ્રીપાડા ગાર્ડન, કમિશનરની ઑફિસની બહાર ક્રૉફર્ડ માર્કેટ અને નરીમાન પૉઇન્ટ, ઓવલ મેદાન અને ગીતાનગર તરફ જતી ઘોડાગાડીઓ જોવા મળે છે. છેલ્લાં ૩ વર્ષથી હું ફરિયાદ કરી રહી છું પરંતુ એલ. ટી. માર્ગ કે કોલાબા પોલીસ-સ્ટેશનના અધિકારીઓએ આ ગેરકાયદે પ્રવૃત્તિ અને કોર્ટના તિરસ્કારને રોકવા માટે કોઈ પ્રયાસ કર્યા નથી કે ક્યારેય તેમને દંડ ફટકારવામાં આવ્યો નથી જે ખરેખર એક આશ્ચર્યજનક બીના છે. આ અગાઉ ૨૦૨૪માં એલ. ટી. માર્ગ પોલીસ તરફથી ઍક્શન લેવામાં આવી ત્યારે ઘોડાગાડીનો માલિક તેનો ઘોડો અને ગાડી પોલીસ-સ્ટેશનની બહાર છોડીને ભાગી ગયો હતો.’
ADVERTISEMENT
પોલીસ શું કહે છે?
સ્નેહા વિસરિયાની ફરિયાદ પર રીઍક્શન આપતાં એલ. ટી. માર્ગ પોલીસ-સ્ટેશન અને કોલાબા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નીતિન તડાખે અને સુધાકર દેશમુખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ આખો મામલો આઝાદ મેદાન પોલીસ-સ્ટેશનની હદમાં આવે છે. આમ છતાં અમે આ બાબતની તપાસ કરીને તાત્કાલિક કાર્યવાહી કરીશું.’ ‘મિડ-ડે’એ તરત જ આ બાબતની ફરિયાદ આઝાદ મેદાન પોલીસ-સ્ટેશનમાં કરી હતી, જેને પગલે આઝાદ મેદાન પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર શ્રીકાંત અધતેએ તરત જ કાર્યવાહી શરૂ કરી હતી. એની જાણકારી આપતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આજથી જ રાતના સંબંધિત એરિયામાં પૅટ્રોલિંગ શરૂ કરવાનો બીટ માર્શલને આદેશ આપવામાં આવ્યો છે.


