રાજ્યના પ્રધાન આશિષ શેલારને PoP ગણેશમૂર્તિઓનાં વિસર્જન વિશે કેટલીક ભલામણો કરી હતી.
ગણેશમૂર્તિઓનું વિસર્જન
પર્યાવરણનું સંતુલન જાળવી રાખીને ચોક્કસ ઊંચાઈની ઘરેલુ ગણેશમૂર્તિઓનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવશે, જ્યારે સાર્વજનિક ગણેશોત્સવ મંડળોની મોટી મૂર્તિઓનું પરંપરાગત સમુદ્રમાં વિસર્જન કરવામાં આવશે જેના માટે પર્યાવરણ જળવાઈ રહે એ વિશે જરૂરી પગલાં લેવામાં આવશે એવું સોગંદનામું ગઈ કાલે રાજ્ય સરકારે મુંબઈ હાઈ કોર્ટમાં રજૂ કર્યું હતું. હાઈ કોર્ટે ગઈ કાલે આ કેસની સુનાવણી સાંભળ્યા બાદ આ મામલાની સુનાવણી આજે રાખવામાં આવી છે.
બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિના અધ્યક્ષ નરેશ દહિબાવકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારું માનવું છે કે રાજ્ય સરકારે PoP ગણેશમૂર્તિઓનાં વિસર્જન વિશે હાઈ કોર્ટમાં યોગ્ય વલણ રજૂ કર્યું છે જેના આધારે હાઈ કોર્ટ મોટી સાર્વજનિક મૂર્તિઓને સમુદ્રમાં વિસર્જનને મંજૂરી આપશે એવો અમારો વિશ્વાસ છે. અમે રાજ્યના પ્રધાન આશિષ શેલારને PoP ગણેશમૂર્તિઓનાં વિસર્જન વિશે કેટલીક ભલામણો કરી હતી. અમને આશા છે કે હાઈ કોર્ટનો અંતિમ આદેશ સાર્વજનિક ગણેશ મંડળ માટે સકારાત્મક રહેશે.’


