સાર્થક સચદેવ નામના સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સરે સેલિબ્રિટીઓની રેસ્ટોરાંઓમાં જઈને પનીર પર આયોડીન ટિન્ક્ચર ટેસ્ટ કરી, જેમાં ગૌરી ખાનની રેસ્ટોરાં ટોરી નાપાસ થઈ
ગૌરી ખાન અને સાર્થક સચદેવ
શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાનની ખારમાં ટોરી નામની આલીશાન રેસ્ટોરાં છે. આ રેસ્ટોરાં આકર્ષક ઇન્ટીરિયર અને સેલિબ્રિટી-ગેસ્ટને કારણે જાણીતી છે. જોકે હાલ આ રેસ્ટોરાં નેગેટિવ બાબતને કારણે ચર્ચામાં છે. હકીકતમાં સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાર્થક સચદેવે જણાવ્યું છે કે આ રેસ્ટોરાંમાં નકલી પનીર મળે છે. સાર્થક સચદેવે પોતાના વિડિયોમાં આ વાત સાબિત કરી હોવાનો દાવો કર્યો છે અને તેની આ પોસ્ટ પર રેસ્ટોરાંએ પણ પ્રતિભાવ આપ્યો છે.
સાર્થક સચદેવે જે વિડિયો શૅર કર્યો છે એમાં જણાવવામાં આવ્યું છે કે ટોરીમાં સ્ટાર્ચથી બનાવેલું પનીર પીરસવામાં આવે છે. વિડિયોમાં સાર્થક રેસ્ટોરાંમાં વાપરવામાં આવેલા પનીરના એક ટુકડા પર આયોડીન ટિન્ક્ચર ટેસ્ટ કરે છે. આ ટેસ્ટ સામાન્ય રીતે સ્ટાર્ચની હાજરી ચેક કરવા માટે કરવામાં આવે છે. આયોડીનની હાજરીમાં પનીરનો રંગ સાવ બદલાઈ જાય છે અને એ કાળું પડી જાય છે. આ બદલાયેલો રંગ જોઈને સાર્થકે કહ્યું કે રેસ્ટોરાંમાં વપરાયેલું પનીર નકલી છે. સાર્થકે વિરાટ કોહલીની વન8 કૉમ્યુન, શિલ્પા શેટ્ટીની બૅસ્ટિયન અને બૉબી દેઓલની સમપ્લેસ એલ્સ રેસ્ટોરાંના પનીરનું પણ ચેકિંગ કર્યું હતું, પણ એ પનીર ભેળસેળ વગરનું જણાયું હતું. સાર્થકના વિડિયોમાં આ રેસ્ટોરાંઓમાં કરેલું પનીર-ટેસ્ટિંગ જોઈ શકાય છે.
ADVERTISEMENT
આ વિડિયો વાઇરલ થયા પછી ગૌરી ખાનની રેસ્ટોરાં ટોરીએ આ મામલા પર રીઍક્શન આપ્યું છે. આ વિડિયો પર કમેન્ટ કરીને રેસ્ટોરાંએ લખ્યું છે કે ‘આયોડીન ટેસ્ટ સ્ટાર્ચની હાજરી દર્શાવે છે, પનીરની શુદ્ધતાનો માપદંડ નથી. આ વાનગીમાં સોયાની હાજરી છે એટલે આયોડીન ટેસ્ટ પૉઝિટિવ આવી છે. અમે ટોરીમાં વપરાતા પનીરની અને અન્ય વસ્તુઓની શુદ્ધતાના મામલે કોઈ બાંધછોડ નથી કરતા.’


