ખાંડ અને ઍસિડ સાથે પ્રક્રિયા થતાં લાલ કે ગુલાબી રંગ આવે તો ભેળસેળ થવાની આશંકા : ઍસિડ જોખમી હોવાથી ઘરમાં પ્રયોગ ન કરવાની સલાહ
પ્રતીકાત્મક તસવીર
દાળ, રોટલી કે ખીચડીમાં ઉમેરાતું એક ચમચી ઘી ખરેખર કેટલું શુદ્ધ છે એ વિશે ખાદ્ય સુરક્ષા નિયમનકાર ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ ગ્રાહકોને જાગૃત કર્યા છે. FSSAIએ ઘીમાં વનસ્પતિ કે હાઇડ્રોજનેટેડ એડિબલ ફૅટ્સની સંભવિત ભેળસેળ ઓળખવા માટે રંગ પર આધારિત એક કેમિકલ ટેસ્ટની વિગતો શૅર કરી છે.
ખાદ્ય સુરક્ષા નિયમનકાર દ્વારા શૅર કરાયેલા ડેમોન્સ્ટ્રેશન મુજબ પીગળેલા ઘીના નમૂનામાં કૉન્સન્ટ્રેટેડ હાઇડ્રોક્લોરિક ઍસિડ અને ખાંડ ઉમેરવામાં આવે છે. જો ઍસિડના પડમાં ઘટ્ટ લાલ (ક્રિમસન-રેડ) કે ગુલાબી રંગ જોવા મળે તો એ સંભવિત ભેળસેળ સૂચવે છે, જ્યારે શુદ્ધ ઘીમાં આ પ્રકારનો કોઈ રંગ બદલાતો નથી.
અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે ‘માત્ર રંગઆધારિત પ્રાથમિક તપાસ ઉત્પાદનની સંપૂર્ણ ગુણવત્તા કે સુરક્ષા નક્કી કરી શકતી નથી. રંગ ન બદલાય તો એ ઘી ૧૦૦ ટકા શુદ્ધ હોવાની સંપૂર્ણ ગૅરન્ટી નથી તેમ જ માત્ર શંકાસ્પદ રંગ-બદલાવ એ ભેળસેળનો કાયદેસરનો આખરી પુરાવો બની શકતો નથી.’
જો ગ્રાહકોને કોઈ ઉત્પાદન સામે શંકા હોય તો તેમણે પૅકેજિંગ, ખરીદીનું બિલ અને બૅચ-નંબર જેવી વિગતો સાચવી રાખવી જોઈએ અને લૅબોરેટરી ટેસ્ટિંગ માટે સ્થાનિક ફૂડ સેફ્ટી ઑથોરિટીનો સંપર્ક કરવો જોઈએ. FSSAI પોતાની ‘ચેક ઍડલ્ટરેશન ઍટ હોમ’ ઝુંબેશ હેઠળ વિવિધ માહિતી પૂરી પાડી રહી છે, પરંતુ ઘીની વાસ્તવિક શુદ્ધતા પારખવા માત્ર દેખાવ પર આધાર રાખવાને બદલે સત્તાવાર લૅબ-ટેસ્ટિંગ પર જ વિશ્વાસ રાખવાની પણ સલાહ અપાઈ છે.
કેવી રીતે થાય છે આ ટેસ્ટ?
પ્રક્રિયા અનુસાર એક ટેસ્ટટ્યુબમાં એક મિલીલીટર પીગળેલું ઘી અને એક મિલીલીટર કૉન્સન્ટ્રેટેડ હાઇડ્રોક્લોરિક ઍસિડ લેવામાં આવે છે. એમાં અડધી ચમચી ખાંડ ઉમેરીને ઓછામાં ઓછી બે મિનિટ સુધી મિશ્રણને જોરથી હલાવવામાં આવે છે અને બાદમાં અલગ પડ બનવા દેવાય છે. ખાંડ અને ઍસિડ વચ્ચે પ્રક્રિયા થતાં બનતાં સંયોજનો જ્યારે વનસ્પતિ કે સસ્તા તેલમાં રહેલાં તત્ત્વો સાથે ભળે છે ત્યારે લાલ કે ગુલાબી રંગ ઉત્પન્ન થાય છે.
ADVERTISEMENT
રસોડામાં પ્રયોગ કરવો જોખમી
FSSAIએ આ ટેસ્ટ સાથે સલામતી સંબંધિત મહત્ત્વની ચેતવણી પણ આપી છે. કૉન્સન્ટ્રેટેડ હાઇડ્રોક્લોરિક ઍસિડ અત્યંત ક્ષારયુક્ત હોવાથી એ ગંભીર દાઝવા જેવી ઈજા કરી શકે છે. તેથી સામાન્ય ગ્રાહકોએ રસોડામાં કે ઘરમાં જાતે આ કેમિકલ-ટેસ્ટ કરવાનો
પ્રયાસ ન કરવો જોઈએ. આ પ્રકારની તપાસ યોગ્ય સુરક્ષા-સાધનો સાથે પ્રશિક્ષિત કર્મચારીઓ પાસે જ કરાવવી હિતાવહ છે.
મલાડના બ્રિજવાસી અને ભાંડુપના ઝેપ્ટોનાં લાઇસન્સ સસ્પેન્ડ
ખાદ્ય સુરક્ષાના નિયમોના ઉલ્લંઘન સામે આક્રમક વલણ અપનાવતાં મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા રાજ્યવ્યાપી કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મુંબઈ શહેરમાં સ્વચ્છતા અને સૅનિટરી ધોરણોના ઉલ્લંઘન તેમ જ ગંભીર ક્ષતિઓ બદલ FDAએ કડક પગલાં લીધાં છે. એમાં મલાડ-વેસ્ટની બ્રિજવાસી તેમ જ ભાંડુપની ઝેપ્ટો લિમિટેડનાં ફૂડ-સેફ્ટી લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.
- અભિતાષ સિંહ
