એક કંપનીમાંથી પ્રેસિડન્ટની પોસ્ટ પરથી રિટાયર થયેલા ફરિયાદી અને તેમની પત્ની સાથે ૭૫ લાખ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ જુહુ પોલીસ-સ્ટેશનમાં ICICI બૅન્કના ભૂતપૂર્વ વેલ્થ-મૅનેજર જય મહેતા સામે ફરિયાદ થતાં તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
એક કંપનીમાંથી પ્રેસિડન્ટની પોસ્ટ પરથી રિટાયર થયેલા ફરિયાદી અને તેમની પત્ની સાથે ૭૫ લાખ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ જુહુ પોલીસ-સ્ટેશનમાં ICICI બૅન્કના ભૂતપૂર્વ વેલ્થ-મૅનેજર જય મહેતા સામે ફરિયાદ થતાં તેની સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.
જુહુમાં રહેતા ફરિયાદી પ્રાઇવેટ કંપનીમાં પ્રેસિડન્ટની પોસ્ટ પરથી ઑક્ટોબર ૨૦૨૪માં રિટાયર થયા હતા. તેમનું સૅલેરી અકાઉન્ટ ICICI બૅન્કમાં હતું. ૨૦૧૭માં બૅન્કે તેમના વેલ્થ-મૅનેજર તરીકે જય મહેતાને તેમનું અકાઉન્ટ સોંપ્યું હતું. એથી જય મહેતાને તેમના અને તેમનાં વાઇફના ઇન્વેસ્ટમેન્ટ સહિતની અનેક જાણકારી હતી. તે તેમના સંપર્કમાં રહેતો હતો. તેમના ઘરે પણ આવતો-જતો હતો અને ધીમે-ધીમે તેમનો વિશ્વાસ મેળવ્યો હતો. ૨૦૨૩માં જય મહેતાએ તેમને કહ્યું કે જો તેના થ્રૂ તેઓ શૅર્સમાં ઇન્વેસ્ટ કરશે તો તેમને ૧૨ ટકાનું વળતર મેળવી આપશે. એથી ઑગસ્ટ ૨૦૨૩માં દંપતીએ તેને ૩૦ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા, જેના પર તેમને ૧.૪૦ લાખનો નફો થયો હતો. એથી સપ્ટેમ્બર ૨૦૨૪માં વધુ ૪૫ લાખ જય મહેતાને ઇન્વેસ્ટ કરવા માટે ટ્રાન્સફર કર્યા હતા. જોકે એ પછી જ્યારે દંપતીએ એના પરનો પ્રૉફિટ જય મહેતા પાસે માગ્યો ત્યારે તેણે બહાનાં આપવાં માંડ્યાં હતાં. એથી દંપતીએ તેની પાસે રોકેલી રકમ પાછી માગી હતી જે આપવા પણ તેણે ગલ્લાંતલ્લાં કર્યાં હતાં. વારંવાર કહેવા છતાં જ્યારે તેણે રકમ પાછી ન આપી ત્યારે દંપતીએ તેની સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી હતી.

