Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ચોમાસા પછી આજે મુંબઈમાં પહેલી હીટવેવની ચેતવણી

ચોમાસા પછી આજે મુંબઈમાં પહેલી હીટવેવની ચેતવણી

Published : 09 October, 2026 07:25 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હવામાન ખાતાએ મુંબઈ ઉપરાંત રાયગડ માટે પણ યલો અલર્ટ જાહેર કરી, તાપમાન ૪૦ ડિગ્રી સુધી પહોંચી જવાની શક્યતા

ગઈ કાલે મુંબઈગરા ૩૭ ડિગ્રી ગરમીમાં રીતસર શેકાઈ ગયા હતા. ભરબપોરે તાપમાન ૪૦ ડિગ્રી પહોંચ્યું હોય એવું અનુભવાતું હતું. મરીન લાઇન્સ પર પોતાના કામે નીકળેલા લોકો માથું ઢાંકીને તાપથી બચવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તસવીર: આશિષ  રાજે

ગઈ કાલે મુંબઈગરા ૩૭ ડિગ્રી ગરમીમાં રીતસર શેકાઈ ગયા હતા. ભરબપોરે તાપમાન ૪૦ ડિગ્રી પહોંચ્યું હોય એવું અનુભવાતું હતું. મરીન લાઇન્સ પર પોતાના કામે નીકળેલા લોકો માથું ઢાંકીને તાપથી બચવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તસવીર: આશિષ રાજે


મુંબઈમાં ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે ત્યારથી મુંબઈગરાઓ ગરમી અને ઉકળાટનો સામનો કરી રહ્યા છે. ઑક્ટોબર હીટ શરૂ થઈ ગઈ છે અને પહેલાંથી જ મુંબઈગરાઓ ગરમીથી પરેશાન છે એવામાં આજના દિવસે મુંબઈમાં ચોમાસા પછીની પહેલી હીટવેવની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. 

હવામાન ખાતાએ હીટવેવની શક્યતાની જાહેરાત કરતાં મુંબઈ તથા રાયગડ જિલ્લા માટે યલો અલર્ટ જાહેર કરી છે એટલે કે આજે તાપમાન ૪૦ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. ગઈ કાલે મુંબઈમાં મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રીને પાર થયું હતું જે સામાન્ય કરતાં ૪.૫ ડિગ્રી વધારે છે, જ્યારે બુધવારે મુંબઈમાં મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી આસપાસ રહ્યું હતું. ગરમીમાં સતત બે દિવસ વધારો થવાની શક્યતાને પગલે હવામાન ખાતાએ મુંબઈમાં હીટવેવની આગાહી કરી છે.
થાણે અને પાલઘરમાં ગરમ અને ભેજવાળા વાતાવરણની આગાહી કરવામાં આવી છે. એમાં પણ અમુક વિસ્તારોમાં લોકોએ સખત ગરમીનો સામનો કરવો પડી શકે એવી આગાહી કરવામાં આવી છે એટલે કે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં રહેતા લોકોએ આજે તાપ સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. 

ગુરુવાર રહ્યો ૮ વર્ષોના ઑક્ટોબરનો સૌથી ગરમ દિવસ
ગુરુવારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૭.૬ ડિગ્રી નોંધાયું હતું. આ છેલ્લાં ૮ વર્ષોમાં અહીં નોંધાયેલું ઑક્ટોબર મહિનાનું સૌથી વધુ તાપમાન હતું. ગયા વર્ષે ઑક્ટોબરમાં નોંધાયેલું મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી હતું જે ૧૭ ઑક્ટોબરે નોંધાયું હતું. ૨૦૨૫માં સાંતાક્રુઝમાં ઑક્ટોબરનું સૌથી વધુ તાપમાન ૩૬.૫ ડિગ્રી, ૨૦૨૪માં ૩૭.૪ ડિગ્રી, ૨૦૨૩માં ૩૭.૪ ડિગ્રી, ૨૦૨૨માં ૩૫.૪ ડિગ્રી, ૨૦૨૧માં ૩૬.૪ ડિગ્રી, ૨૦૨૦માં ૩૫ ડિગ્રી અને ૨૦૧૯માં ૩૬.૬ ડિગ્રી નોંધાયું હતું.
કોલાબામાં પણ ગુરુવારે નોંધાયેલું ૩૬.૫ ડિગ્રી તાપમાન ૨૦૧૯ પછીનું ઑક્ટોબર મહિનાનું સૌથી વધુ મહત્તમ તાપમાન હતું. ઑક્ટોબર ૨૦૧૮માં કોલાબામાં મહત્તમ તાપમાન ૩૭.૨ ડિગ્રીએ પહોંચ્યું હતું.
બપોરના સમયે કાળઝાળ ગરમી હોવા છતાં લઘુતમ તાપમાનમાં એવો વધારો જોવા મળ્યો નથી. ગુરુવારે મુંબઈમાં લઘુતમ તાપમાન ૨૫ ડિગ્રીની આસપાસ રહ્યું હતું. સાંતાક્રુઝમાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા અને કોલાબામાં ૮૯ ટકા જેટલું ઊંચું રહ્યું હતું જેના કારણે લોકોને પરસેવે રેબઝેબ થવું પડ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

09 October, 2026 07:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK